હિજાબ પર પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટે મુંબઈની કોલેજને લગાવી ફટકાર, ડ્રેસ કોડ પરના આદેશ પર સ્ટે આપ્યો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈની એક કોલેજમાં ગર્લ સ્ટુડન્ટ્સને કેમ્પસમાં બુરખા, હિજાબ કે નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. કોર્ટે કપાળ પર કરવામાં આવતા તિલકનું ઉદાહરણ ટાંકીને સવાલ કર્યો હતો કે શું કોઇએ તિલક લગાવ્યું હોય તો એને કોલેજમાં પ્રવેશ નકારી શકાય?
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે હિજાબ પર પ્રતિબંધ અંગે કોલેજ પ્રશાસનને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે અને મુંબઈની કૉલેજના પ્રતિબંધને પડકારતી અરજી પર નોટિસ પણ જારી કરી છે.
મુંબઈની એનજી આચાર્ય અને ડી.કે. મરાઠે કોલેજે હિજાબ, નકાબ, બુરખો, સ્ટોલ અને ટોપી પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આની સામે કોલેજની નવ યુવતીઓએ બૉમ્બે હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે. સુનાવણી દરમિયાન, કોર્ટે કૉલેજના નિર્ણય પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે વિદ્યાર્થીનીઓને તેઓ જે પહેરવા માંગે છે તે પહેરવાની છૂટ હોવી જોઈએ. કૉલેજ વતી દલીલ કરી રહેલા વકીલને કોર્ટે સવાલ કર્યો હતો કે છોકરીઓ શું પહેરે છે તેના પર નિયંત્રણો લાદીને તમે કેવી રીતે મહિલા સશક્તિકરણ કરી રહ્યા છો. છોકરીઓ શું પહેરવા માંગે છે તે તેમના પર જ છોડી દેવું જોઇએ. આઝાદીના આટલા વર્ષો પછી આવા પ્રતિબંધની વાત કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
હાલમાં કોર્ટે ખાનગી કોલેજોમાં હિજાબ, નકાબ, બુરખા, સ્ટોલ અને કેપ પહેરવા અંગે કોલેજના નિર્ણય પર વચગાળાનો સ્ટે મુક્યો છે. આ મામલાની આગામી સુનાવણી 18 નવેમ્બરે થશે.