ચૂંટણીનો ચિહ્ન વિવાદઃ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ દ્ધારા એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના જૂથને ‘ધનુષ્ય અને તીર’ ચૂંટણી ચિહ્ન ફાળવવાના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની અરજી સુનાવણી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જૉયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે આ મુદ્દો લાંબા સમયથી પેન્ડિંગ છે અને અનિશ્ચિતતાને ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં.
બેન્ચે ઉદ્ધવ જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કહ્યું હતું કે, “અમે મુખ્ય કેસના અંતિમ સમાધાન માટે ઓગસ્ટની તારીખ નક્કી કરીશું.” સિબ્બલે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મામલાનો વહેલાસર ઉકેલ ઇચ્છે છે. શિંદે છાવણી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે જણાવ્યું હતું કે કોર્ટે પહેલાથી જ આ મુદ્દા પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
સિબ્બલે કહ્યું હતું કે 2023 માં વિધાનસભા બહુમતીનાં આધારે શિંદેના નેતૃત્વ હેઠળની પાર્ટીને ચૂંટણી ચિહ્ન ફાળવવાનો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચના ચુકાદાની વિરુદ્ધ હતો. ત્યારબાદ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે, “અમે કેસની સુનાવણીની ચોક્કસ તારીખ પછીથી જાહેર કરીશું કારણ કે અમે અન્ય કેસ સાથે કોઈ ટકરાવ ઇચ્છતા નથી.”
નોંધનીય છે કે સાત, મેના રોજ સર્વોચ્ચ અદાલતે ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય સામેની તેની અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી.
આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી ઉનાળાના વેકેશન પછી કરવામાં આવશે. 10, જાન્યુઆરી, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિંદે સહિત શાસક છાવણીના 16ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની શિવસેના (ઉબાઠા)ની અરજીને ફગાવી દીધી.
વિધાનસભા અધ્યક્ષ દ્વારા અપાયેલા આદેશોને સર્વોચ્ચ અદાલતમાં પડકારતા ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથે દાવો કર્યો હતો કે તે “સ્પષ્ટપણે ગેરકાયદેસર અને પ્રતિકૂળ” હતા અને પક્ષપલટો કરનારાઓને સજા કરવાને બદલે તેઓએ પક્ષપલટો કરનારાઓને ખરા રાજકીય પક્ષો હોવાનું કહીને પુરસ્કાર આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિધાનસભા અધ્યક્ષે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોને શિવસેના રાજકીય પક્ષની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરતા ગણાવીને ભૂલ કરી છે.