અરુણ ગવળીને વહેલો નહીં છોડાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: શોલે ફિલ્મના વિલન ગબ્બરસિંહના એક સંવાદનો ઉપયોગ કરતાં સુપ્રીમ કોર્ટે ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીની હત્યા કેસમાં વહેલી મુક્તિ અંગેની અરજી પર પોતાનું અગાઉનું વલણ જાળવી રાખતાં વહેલી મુક્તિ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
બુધવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પાંચમી એપ્રિલે મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આપેલા આદેશ પર ત્રીજી જૂનના પોતાના આદેશને જાળવી રાખતાં સ્થગનાદેશ મૂક્યો હતો અને અપીલની સુનાવણી માટે 20 નવેમ્બરની તારીખ આપી હતી.
અમે કોઈપણ વચગાળાની રાહત આપવા માગતા નથી. વચગાળાના સ્થગનાદેશને કાયમી કરવામાં આવ્યો છે. અપીલની સુનાવણી 20 નવેમ્બરે રાખો એમ ખંડપીઠે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા રાજા ઠાકરેએ કહ્યું હતું કે ગવળી સામે 46થી વધુ ગુના નોંધાયેલા છે અને તેમાં 10થી વધુ હત્યાના કેસ છે.
આ પણ વાંચો : અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો હાઈ કોર્ટનો આદેશ
સર્વોચ્ચ અદાલતે એવો સવાલ કર્યો હતો કે ગવળીએ છેલ્લાં પાંચથી આઠ વર્ષમાં કશું કર્યું છે? ત્યારે ઠાકરેએ જવાબ આપ્યો હતો કે 17 વર્ષથી ગવળી કારાવાસમાં છે.
ખંડપીઠે પછી એવો સવાલ કર્યો હતો કે તે કારાવાસમાં જ રહેશે તો તેનામાં સુધારો આવ્યો કે નહીં તે કેમ ખબર પડશે? અત્યારે તે 72 વર્ષનો છે.
હાઈ કોર્ટના આદેશને પડકારતી રાજ્ય સરકારની પિટિશન માંડતા રાજા ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (એમસીઓસીએ) હેઠળ આરોપીને માફી આપવા પહેલાં 40 વર્ષ સજા ભોગવી હોવી જોઈએ. આ 2015ની નીતિ પ્રમાણેની જોગવાઈ છે.
ગવળી વતી હાજર રહેલા એડવોકેટ નિત્યા રામકૃષ્ણને કહ્યું હતું કે આ કેસના બધા જ સહ-આરોપીઓને જામીન આપી દેવામાં આવ્યા છે. મુંબઈ હાઈ કોર્ટે રાહત યોગ્ય રીતે આપી હતી.
રાજ્ય સરકારે 2015માં પોતાની માફીની પ્રક્રિયા નીતિમાં ફેરફાર કર્યા છે. ન્યાયમૂર્તિઓ તમે જ જણાવ્યું છે કે જ્યારે દોષી ઠેરવવામાં આવ્યા હોય ત્યારની નીતિ લાગુ પડશે અને ગવળીને 2009માં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેથી તેમને 2006ની નીતિ લાગુ પડશે. આ નીતિ મુજબ તેમને ઉંમર અને દુર્બળતાને ધ્યાનમાં રાખીને માફી મળી શકે છે.
આ સમયે ખંડપીઠે કહ્યું હતું કે મેડમ તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે બધા લોકો અરુણ ગવળી હોતા નથી. શોલે ફિલ્મમાં એક યાદગાર ડાયલોગ છે કે ‘સો જા બેટા, વરના ગબ્બર આ જાયેગા.’ અહીં પણ આ જ વાત લાગુ પડી શકે છે.
ગવળીની સ્થિતિ અંગે માહિતી આપતાં રામકૃષ્ણને કહ્યું હતું કે તેને હૃદયરોગ છે અને ફેફસાંમાં તકલીફો છે.
તેનો જવાબ આપતાં ઠાકરેએ કહ્યું હતું કે સળંગ 40 વર્ષ સુધી ધુમ્રપાન કરવાને લીધે આ તકલીફો છે.
અરુણ ગવળી શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની 2007માં થયેલી હત્યાના કેસમાં કારાવાસ ભોગવી રહ્યા છે.
દગડી ચાલથી કુખ્યાત થયેલા ગવળીએ અખિલ ભારતીય સેના નામનો રાજકીય પક્ષ સ્થાપન કર્યો હતો. 2004-2009 વચ્ચે તેઓ ચિંચપોકલી બેઠક પરથી વિધાનસભ્ય હતા.
જામસાંડેકરની હત્યાના કેસમાં ઓગસ્ટ 2012માં મુંબઈની સેશન્સ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને રૂ. 17 લાખનો દંડ પણ કર્યો હતો. (પીટીઆઈ)