આમચી મુંબઈ

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે બીએમસીને વૃક્ષો કાપવાની શરતી મંજૂરી…

કાપવામાં આવેલા વૃક્ષોની ક્ષતિને ભરી કાઢવા માટે વળતરરૂપ વનીકરણ હાથ ધરવાની તાકીદ

નવી દિલ્હી:
સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે મુંબઈમાં વધુ વૃક્ષો કાપવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી અરજી પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી, જો કે આના વળતરરૂપે વનીકરણ કરીને વૃક્ષોની ભરપાઈ કરવાની રહેશે.

29 જુલાઈએ સર્વોચ્ચ અદાલતે આ પ્રોજેક્ટ માટે મુંબઈના ફિલ્મ સિટીમાં 95 વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી. જોકે, 27 ઓક્ટોબરે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે, મુંબઈમાં વળતરરૂપે વનીકરણના નબળા અમલની ગંભીર નોંધ લીધી હતી અને મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી કે તે મુંબઈ મેટ્રો રેલ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા માટેની અગાઉની તમામ પરવાનગીઓ રદ કરશે.

તેમણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને તમામ હિસ્સેદારો સાથે બેઠક યોજવા અને ‘વળતરરૂપે કરવાના વનીકરણ’ને અક્ષરશ: હાથ ધરવામાં આવે તે સુનિશ્ર્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે ‘નક્કર દરખાસ્ત’ રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

સોમવારે, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે રાજ્યના મુખ્ય સચિવ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાની નોંધ લીધી અને મહત્વાકાંક્ષી જીએમએલઆર પ્રોજેક્ટના પ્રસ્તાવક બીએમસીને જરૂરી સંખ્યામાં વૃક્ષો કાપવાની મંજૂરી આપી, જો વળતરરૂપે વનીકરણની કવાયત કાળજીપૂર્વક હાથ ધરવામાં આવે એવી તાકીદ પણ કરી હતી.

ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે મુખ્ય સચિવના સોગંદનામાની નોંધ લીધી જેમાં વળતરલક્ષી વનીકરણને ‘સરકારી ઠરાવ’નો ભાગ બનાવવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, ‘અમે નિર્દેશ આપીએ છીએ કે ઉપરોક્ત સોગંદનામામાં કરવામાં આવેલા નિવેદનોને કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવે.’ (પીટીઆઈ)

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button