HM અમિત શાહ સાથે વાટાઘાટો થઇ, સાથે લડીશું ચૂંટણીઃ સુનિલ તટકરે…
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણી મહાયુતિમાં રહીને ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે મળીને લડવામાં આવશે અને એ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાટાઘાટો થઇ ચૂકી હોવાનું અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મને મુખ્ય પ્રધાન બનાવો, અમિત શાહ સાથેની મુલાકાતમાં મનની વાત બોલી ગયા અજિત પવાર
એનસીપીના ટોચના નેતાઓએ અમિત શાહ સાથે એકસાથે મળીને ચૂંટણી લડવા વિશે વાતચીત કરી હોવાનું જણાવતા તટકરેએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ફરીથી સત્તામાં આવવાનું છે અને એકજૂથ થઇ ચૂંટણી લડવા વિશે અમે વિગતવાર ચર્ચા પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર દ્વારા કુટુંબમાં તકરાર વિશે આપવામાં આવેલા નિવેદન તેમ જ મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનામાં મુખ્ય પ્રધાનનો ફોટો ને તેમના નામનો ઉલ્લેખ એનસીપીની જાહેરાતોમાં ન હોવાને પગલે થયેલા વિવાદના કારણે અજિત પવાર મહાયુતિથી છૂટી પડીને ચૂંટણીમાં ઝંપલાવેશે તેવા અહેવાલો વહેતા થયા હતા. જોકે તટકરેએ આ અહેવાલો ફગાવી દીધા હતા.
આ પણ વાંચો : ઠાકરેને પડશે મોટો ફટકો, વિધાનસભામાં શિંદેનું શું થશે? સર્વેના ચોંકાવનારા આંકડા
ઉલ્લેખનીય છે કે અજિત પવાર સમક્ષ ભાજપે મૈત્રીપૂર્ણ રીતે પચ્ચીસ બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલ ફરતા થયા હતા. જોકે ભાજપના નેતા રાવસાહેબ દાનવે અને અજિત પવાર જૂથના રાજ્યસભા સાંસદ બંનેએ આ અહેવાલોને રદિયો આપ્યો હતો અને આવો કોઇપણ પ્રસ્તાવ ન મૂકવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.