સુનેત્રા પવાર ને નાયબ મુખ્ય પ્રધાન પદ મળ્યું, નાણાં ખાતું નહીં…

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે સુનેત્રા પવારે શપથ લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે દિવંગત એનસીપી પ્રમુખ અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે શનિવારે શપથ લીધા હતા. તેમને રાજ્યના એક્સાઈઝ ખાતું, રમત-ગમત, લઘુમતી વિકાસ અને વક્ફ ખાતાના પ્રધાન તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જોકે, અજિત પવાર પાસે રહેલા નાણાં ખાતાની જવાબદારી તેમને આપવામાં આવી નહોતી, જે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અત્યારે સંભાળશે એવું કહેવાઈ રહ્યું છે.
રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપનાર 62 વર્ષના પવારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અહીં લોકભવન ખાતે એક સંક્ષિપ્ત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.આજે વહેલી સવારે, તેમને રાજ્ય એનસીપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
ભાજપ-શિવસેના-એનસીપી ‘મહાયુતિ’ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદ તેમજ નાણાં ખાતું સંભાળનારા અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું.સુનેત્રા પવાર શપથ લેવા માટે ઉભાં થતાં ‘અજિત દાદા અમર રહે’ (અજિત દાદા અમર છે)ના સૂત્રોચ્ચાર થયા હતા.
આ સમારોહમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એનસીપીના નેતાઓ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. સુનેત્રા પવારના નાના પુત્ર જય પવાર અને તેમની પત્ની પણ હાજર રહ્યા હતા.
તેઓ રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના સભ્ય નથી અને તેમના સ્વર્ગસ્થ પતિ દ્વારા રજૂ કરાયેલા બારામતી વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી લડે તેવી અપેક્ષા છે. રાજકીય પરિવારમાંથી આવતા, લૉ પ્રોફાઇલ રહેતાં સુનેત્રા પવારે 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાની નણંદ અને વર્તમાન એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળે સામે પવાર પરિવારના ગૃહ પ્રદેશ બારામતીમાં ચૂંટણી લડ્યાં હતાં.
સુળે સામે હાર્યા બાદ, તેઓ રાજ્યસભામાં ચૂંટાયાં હતાં.
હવે તેમને ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે કામ કરતી વખતે એનસીપીને એક સાથે રાખવા અને ગઠબંધન રાજકારણનું સંચાલન કરવાના મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડશે, પરંતુ તેમનો તાત્કાલિક પડકાર એ હશે કે બંને એનસીપી જૂથોના બહુપ્રતિક્ષિત વિલિનીકરણ સાથે આગળ વધવું કે નહીં તે નક્કી કરવું.
વડા પ્રધાને મહારાષ્ટ્રના સુનેત્રા પવારને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન બનેલાં સુનેત્રા પવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
મને વિશ્ર્વાસ છે કે સુનેત્રા પવારજી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ શરૂ કરશે, આ જવાબદારી સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે, એમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું.
મને વિશ્ર્વાસ છે કે તેઓ રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજિતદાદા પવારના વિઝનને પૂર્ણ કરશે, એમ પણ વડા પ્રધાને કહ્યું હતું.



