
મુંબઈ: મુંબઈ લોકલ એ મુંબઈની લાઈફલાઈન છે. દરરોજ હજારો લાખો મુસાફરો આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. હવે આ મુંબઈ લોકલને લઈને જ મહત્વની માહિતી સામે આવી રહી છે, જે જાણી લેવી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આવતીકાલે એટલે કે 27મી જુલાઈના રોજ મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ સહિતના મહત્વના કામ હાથ ધરવામાં આવશે, જેને કારણે રેલવે દ્વારા મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે રક્ષાબંધન કે ગણેશોત્સવની ખરીદી માટે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા આ સમાચાર વાંચી લો.
મળતી માહિતી અનુસાર મધ્ય રેલવે પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થાણે કલ્યાણ વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે જેને કારણે અપ ડાઉન સ્લો લોકલ અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેન કલવા, મુંબ્રા, દિવા સ્ટેશન પર ઉભી રહેશે, જેને કારણે લોકલ ટ્રેનો નિર્ધારિત સમય કરતા 10થી 15 મિનિટ મોડી પડશે.
હાર્બર લાઈન પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પનવેલ વાશી અપ ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરાશે. બ્લોકના સમય દરમિયાન પનવેલ વાશી, બેલાપુર વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ સિવાય ટ્રાન્સહાર્બરમાં પનવેલથી થાણે વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર પણ ટ્રેનો બંધ રહેશે. જોકે, બ્લોકના સમય દરમિયાન સીએસએમટીથી વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો આવતીકાલે પશ્ચિમ રેલવે પર દિવસના સમયે કોઈ પણ પ્રકારનો મેગા બ્લોક હાથ નહીં ધરવામાં આવે, જેથી પ્રવાસીઓને રાહત રહેશે. પશ્ચિમ રેલવે પર ટ્રેનો રવિવારના ટાઈમ ટેબલ પ્રમાણે જ દોડાવવામાં આવશે.