ઉનાળામાં રસ્તા પરના ખુલ્લા અને વાસી અન્નપદાર્થ ખાવાનું ટાળવાની પાલિકાની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માનખુર્દમાં રસ્તા પર ખુલ્લામાં તૈયાર કરવામાં આવેલા ચિકન શોરમા ખાધા બાદ થયેલા ફૂડ પોઈઝનને કારણે એકનું મૃત્યુ થયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે નાગરિકોને રસ્તા પરના ખુલ્લા અને વાસી ખાદ્યપર્દાથને ખાવાનું ટાળવાની અપીલ કરી છે.
રસ્તા પર ખુલ્લામાં તૈયાર કરવામાં આવનારા ખાદ્યપદાર્થ ખાવાનું ટાળવું તેમ જ વાસી અન્ન પણ ખાવાનું ટાળવું, કારણકે ઉનાળામાં વધતા તાપમાનને કારણે ખાદ્યપદાર્થ જલદી ખરાબ થતા હોય છે. ખુલ્લામાં બનાવવામાં આવતા ખાદ્યપદાર્થ હલકી ગુણવત્તાના હોવાથી ફૂડપોઈઝનિંગના બનાવ બનતા હોય છે. તેથી બહારના ખાદ્યપદાર્થ અને ઠંડા પીણા પીવાનું ટાળવું, ચિકન, મટન અને માછલી જેવા પદાર્થનું સેવા કરવા પહેલા તે તાજા અને સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે નહીં તેની ખાતરી કરવી, નાના બાળકોને રસ્તા પરના ખુલ્લા ખાદ્યપદાર્થ ખાવા આપવા નહીં, ગર્ભવતી મહિલા પણ બહારના ખાદ્યપદાર્થનું સેવન કરવાનું ટાળવું, ઉલટી, જુલાબ અને કમળા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીક આવેલા મુંબઈ મહાનગરપાલિકાના દવાખાનાનો સંપર્ક કરવાની અપીલ પાલિકાએ કરી છે.