શિયાળાની મોસમમાં ઉનાળાની ગરમી: તાપમાનનો પારો ૩૫.૭ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા છેલ્લા પાંચ-છ દિવસથી ઉનાળામાં હોય તેવી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૫.૭ ડિગ્રી ઊંચો નોંધાયો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ હજી બે-ત્રણ દિવસ આકરી ગરમી પડવાની શક્યતા છે.
મુંબઈમાં હાલ વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાયેલી હોય છે. તો દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ગુરુવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૩.૬ ડિગ્રી નોંધાયા બાદ ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થયો હતો. શુક્રવારે દિવસ દરમયાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૫.૭ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
કોલાબા અને સાંતાક્રુઝ બંને જગ્યાએ તાપમાન સરેરાશ કરતા વધુ હતું. હવામાન ખાતાના કહેવા મુજબ હાલ મુંબઈ તરફ દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેથી મુંબઈ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે અને દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ હજી એકાદ-બે દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની શક્તા છે, ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે. આવતા અઠવાડિયાથી ફરી પવનોની દિશા બદલાશે. અગ્નિ દિશાને બદલે ઉત્તર તરફથી પવનો ફૂંકાશે અને તાપમાનનો પારો ફરી નીચે ઉતરશે.