Maharashtraને મળ્યા પહેલા મહિલા ચીફ સેક્રેટરીઃ સરકારી આદેશની પ્રતીક્ષા

મુંબઈ: મહારાષ્ટ્ર તેના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાનની તો રાહ જોઈ રહ્યું છે અને તે ક્યારે મળશે તે ખબર નહીં, પણ રાજ્યને પહેલા મહિલા ચીફ સેક્રેટરી મળ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા IAS અધિકારીને મુખ્ય સચિવની જવાબદારી મળવા જઈ રહી છે. આ મહિલા અધિકારીનું નામ સુજાતા સૌનિક છે. (Sujata Saunik)તેઓ રાજ્યના મુખ્ય સચિવ ડૉ. નીતિન કરીરનું સ્થાન લેશે. નીતિન કરિર નિવૃત્ત થઈ રહ્યા છે.
સુજાતા સૌનિક આવતા વર્ષે જૂનમાં મહિનામાં નિવૃત્ત થવાના છે. સુજાતા સૌનિક ઉપરાંત, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજેશ કુમારી (1987 બેચ) અને મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ ઈકબાલ ચહલ (1989 બેચ) મુખ્ય સચિવ પદ માટેના અન્ય બે મુખ્ય દાવેદારો હતા.
ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય સચિવ તરીકે સુજાતા સૌનિકની વરણીને લીલી ઝંડી બતાવી છે. હજુ સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો નથી.
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મહિલાને રાજ્યના વહીવટી તંત્રમાં સર્વોચ્ચ સ્થાન આપી મહાયુતિ મહિલા સશક્તિકરણનો સંદેશ આપવા માગતી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી
કડક અને સ્પષ્ટવક્તા અધિકારી તરીકે જાણીતા સુજાતા સૌનિક હાલમાં રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી રહ્યા છે. તાજેતરમાં જ તેમને કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા સચિવના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે જાહેર આરોગ્ય સહિત અન્ય કેટલાક વિભાગોમાં પણ કામ કર્યું છે.
સુજાતા સૌનિકને ભારતીય વહીવટી સેવા અને જિલ્લા, રાજ્ય અને સંઘીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આરોગ્યસંભાળ, નાણાં, શિક્ષણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પીસકીપિંગમાં જાહેર નીતિ અને શાસનમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. સરકારે એપ્રિલ-ડિસેમ્બર 2023થી તેમના પતિ મનોજ સૌનિકની સીએસ તરીકે નિમણૂક કરી હતી. હાલમાં મનોજ સૌનિક મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર છે.
મનોજ સૌનિકની નિવૃત્તિ પછી સરકારે પદ માટે સુજાતા સૌનિકને ધ્યાનમાં લીધા ન હતા અને મુખ્ય સચિવ પદ માટે 1988 બેચના તેમના જુનિયર નીતિન કરીરને પસંદ કર્યા હતા. ગત વર્ષે 31 ડિસેમ્બરના રોજ નિયુક્ત કરાયેલા કરીર આ વર્ષે માર્ચમાં નિવૃત્ત થવાના હતા, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.