કોવિડકાળમાં ચાર હજાર કરોડના કરેલા ખર્ચાની માહિતી સુધરાઈ પાસે નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોવિડ મહામારી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની કબૂલાત મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કરી હતી. પરંતુ કરોડો રૂપિયાના આ ખર્ચાની માહિતી પાલિકા પાસે નહીં હોવાની ચોંકાવનારી વિગત રાઈટ ટુ ઈર્ન્ફોમેશન ઍક્ટ હેઠળ બહાર આવી છે.
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ પાલિકા કમિશનરની ઑફિસમાં અરજી કરીને કોવિડ કાળમાં કરવામાં આવેલા ૪,૦૦૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચનો વિગતવાર અહેવાલ આરટીઆઈ હેઠળ અરજી કરીને માંગ્યો હતો. તેમની અરજી આરોગ્ય ખાતાના ડેપ્યુટી એકાઉન્ટન્ટને મોકલવામાં આવી હતી. તેમણે અહેવાલની પ્રત ઉપલબ્ધ ન હોવાનું કહીને તે અરજી ડેપ્યુટી કમિશનર (સાર્વજનિક આરોગ્ય) વિભાગને મોકલી આપી હતી.
પ્રશાસકીય અધિકારીએ આ અરજી ચીફ એકાઉન્ટન્ટ (નાણાંકીય)ને મોકલી હતી અને તેમના તરફથી આની માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું કહીને અરજીને ફરી ડેપ્યુટી કમિશનર (સાર્વજનિક આરોગ્ય) ખાતા પાસે મોકલી દેવામાં આવી હતી. એક તરફ કોવિડ કાળમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા થઈ હોવાનો આરોપ થઈ રહ્યો છે અને સીબીઆઈ અને મુંબઈ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરી રહી છે, તો બીજી તરફ પાલિકા કમિશનર ચાર હજાર કરોડ રૂપિયાનો હિસાબ આપતા નથી, તે ગંભીર બાબત હોવાનું ગલગલીએ કહ્યું હતું. ઉ