વાતાવરણમાં પલટો થવાથી મુંબઈગરાને આમાંથી મળી મુક્તિ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયાથી વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે, જ્યારે અનેક વિસ્તારોમાં માવઠું પણ થયું હતું. આજે રાજ્યના અમુક જિલ્લામાં વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું હતું તેમ જ ઉત્તર ભારતથી તરફથી આવતા ઠંડા પવનોને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી ગરમીમાંથી આંશિક રાહત થઈ છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો મુંબઈગરાઓ અનુભવી રહ્યા છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને લીધે મુંબઈમાં અનેક દિવસોથી વાદળી હવામાન સર્જાઈ રહ્યું છે. આ સાથે મુંબઈને લાગેલા અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વાતાવરણમાં ઠંડકની સાથે વરસાદ વરસવાની શક્યતા પણ આઇએમડીએ વ્યક્ત કરી હતી.
મુંબઈના હવામાનમાં થયેલા બદલાવને કારણે મુંબઈમાં 28 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે મિનિમમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું, જ્યારે સરેરાશ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.
ભારતમાં ફેબ્રુઆરી મહિનો લગતા જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જોકે આખો શિયાળો ઠંડી વગર પસાર થઈ જતાં હવે ઉનાળાની શરૂઆતમાં વાતાવરણના બદલાવને લીધે લોકોના આરોગ્ય પર આડ અસર થવાની ચિંતા તબીબોએ વ્યક્ત કરી હતી.
મુંબઈ અને પુણે શહેરમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં ઘટાડો જણાઈ રહેશે, જેથી નાગરિકોને આરોગ્ય બાબતે કાળજી લેવાનું આવ્હાન કરવામાં આવ્યું છે. રાજ્યના અકોલા, અમરાવતી, નાગપુર અને ગોંદિયા આ જિલ્લામાં વરસાદ પાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મુંબઈના ભાગમાં પણ હળવો વરસાદ પડી શકે છે, હવામાન વિભાગના અધિકારીએ આગાહી વ્યક્ત કરી છે.