બુલેટ ટ્રેનની સેફ્ટી માટે આવી અપડેટઃ એડવાન્સ સિસ્ટમથી ‘ફૂલપ્રુફ’ બનાવવાનો દાવો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્ડિયન રેલવેના બુલેટ ટ્રેનના પ્રકલ્પને ઝડપથી પાર પાડવા માટે રેલવે પ્રશાસન કામ કરી રહ્યું છે, જેમાં પહેલા તબક્કાનું કામ 2026 સુધીમાં પાર પાડવાના અહેવાલ છે ત્યારે બુલેટ ટ્રેન (મુંબઈથી અમદાવાદ વચ્ચે)ના કોરિડોરને ભૂકંપથી સુરક્ષિત રાખવાની સિસ્ટમ તૈયાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરપાટ ગતિએ શરૂ છે ત્યારે સુરક્ષા માટે વધુ એક આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ વપરાશ કરવામાં આવશે. આ યોજના અન્વયે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં પ્રવાસીઓની સલામતી માટે બુલેટ ટ્રેનના આખા માર્ગ પર 28 સિસ્મોમીટર બેસાડવાની યોજના છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરના 28 ટ્રેકશન સબ સ્ટેશન્સ પર ‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’ માટે સિસ્મોમીટર બેસાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નવી યોજના અંગે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘અર્લી અર્થક્વેટ ડિટેક્શન સિસ્ટમ એ જાપાનીઝ શિન્કાન્સેન ટેક્નોલોજી આધારિત છે. આ ટેક્નોલોજી ભૂકંપ આવ્યા પહેલા જમીનના પેટાળમાં જે કોઈ હિલચાલ થાય તેના તરંગોને ડિટેક્ટ કરીને ઓટોમેટિક પાવર શટડાઉન એટલે કે બંધ કરી દે છે.’
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને જણાવ્યા મુજબ 28માંથી 22 સિસ્મોમીટર સમાંતર રૂપે બેસાડવામાં આવશે, જેમાંથી આઠ મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર, અને બોઇસરમાં હશે. જ્યારે 14 સિસ્મોમીટર ગુજરાતના વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ અને અમદાવાદમાં હશે.
આ ઉપરાંત, બાકી રહેલા છ સિસ્મોમીટર ભૂકંપ-સંવેદનશીલ વિસ્તાર જેવા કે ખેડ, રત્નાગિરી, લાતુર અને પાન્ગ્રીમાં હશે. આ તમામ મહારાષ્ટ્રના એવા વિસ્તારો છે, જ્યાં ભૂકંપ આવવાનું વધુ જોખમ છે. જ્યારે ગુજરાતના અદેસર અને જૂના ભુજમાં બે સિસ્મોમીટર બેસાડવામાં આવશે. ગુજરાતના આ બંને વિસ્તારો પણ ભૂકંપ-સંવેદનશીલ વિસ્તારોની શ્રેણીમાં આવે છે.