ગુમ થયેલી ૧૯ હજારથી વધુ મહિલા-બાળા પાછી શોધવામાં સફળતા: મહારાષ્ટ્ર પોલીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં પાંચ મહિનામાં ૨૯,૦૦૦ મહિલા-બાળાઓ ગુમ થઈ હોવાના અહેવાલો વિવિધ માધ્યમોમાંથી પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ અહેવાલોમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવતાં પોલીસ વિભાગે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં આ વર્ષે મે-૨૦૨૩ સુધીમાં અપહરણ કરવામાં આવેલી બાળકીઓમાંથી ૬૮.૯૩ ટકા બાળાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે અને મહિલાઓમાંથી ૬૩.૧૦ ટકાને શોધી કાઢવામાં આવી હતી.
રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં મહિલા-બાળાઓ ગુમ થયા હોવાની નોંધ લેવામાં આવે છે. માત્ર પોલીસ વહીવટીતંત્રે કરેલી તપાસને અંતે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ગુમ થયેલી ૨૯,૮૦૭ મહિલામાંથી ૧૯,૦૮૯ મહિલા ઘરે પાછી ફરી છે. આવી જ રીતે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં અપહરણ કરાયેલી ૫,૪૯૫ બાળાઓને શોધી કાઢવામાં આવી છે. મહિલા અને બાળાઓના ગુમ થવાના બનાવ કરતાંં તેમના ઘરે પાછા ફરવાનું પ્રમાણ વધુ છે. મહિલા-બાળા ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ સંબંધિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમની તપાસ ગંભીરતાથી કરે ચે અને તેમને પાછી ઘરે લાવે છે.
રાજ્ય સરકાર મહિલાને સક્ષમ કરવા માટે વિવિધ યોજનાનો અમલ કરી રહી છે. રાજ્યનો ગૃહ વિભાગ મહિલાની સુરક્ષા માટે અલગ અલગ પ્રકલ્પ હાથ ધરી રહી છે. મહિલાની સુરક્ષા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ છે.