આમચી મુંબઈમહારાષ્ટ્ર

એનસીપી (NCP)ના ભંગાણ છતાં સફળતા મેળવી, કોણ બન્યું Kingmaker?

મુંબઈ: ગયા વર્ષે ભત્રીજા અજિત પવારે છેડો ફાડી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે ઊભા ફાડિયા થયા છતાં વરિષ્ઠ રાજકીય નેતા શરદ પવારે લોકસભા ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ સંભાળી 10 બેઠક પર ચૂંટણી લડી આઠમાં વિજય મેળવ્યો હતો. આ સાથે તેમણે રાજ્યના સૌથી કદાવર રાજકારણી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી દીધું છે.

રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી જોડાણના શરદ પવાર મહત્વના સ્તંભ છે અને રાજ્યના મહા વિકાસ આઘાડી (એમવીએ)ના મહત્વના સૂત્રધાર પણ છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર દેખાવને પગલે એનસીપી (એસપી)ને રાજ્યમાં જાણે કે નવજીવન મળ્યું છે. ઓક્ટોબરમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે એ સંદર્ભે આ વાત મહત્ત્વ ધરાવે છે.

નવા ચિહ્ન ટ્રમ્પેટ (તુરાઈ અથવા સીંગું) સાથે ચૂંટણી લડનારા શ્રી પવાર 50 વર્ષથી વધુ સમયથી રાજકારણમાં પ્રવૃત્ત છે અને અનેક ચૂંટણીઓ તેમણે જોઈ છે. એટલે તેઓ પોતાના જ ગીત ગાવાના (પોતાની જ તુરાઈ વગાડવી) હકદાર છે એમ કહેવાય છે. આ વખતની લોકસભા ચૂંટણી વખતે ભંગાણ પછી બેઠકો યોજી અને ચીવટથી ઉમેદવારોની પસંદગી કરી હતી. દસમાંથી આઠ બેઠક પર વિજય મેળવી અસલી એનસીપી કઈ છે એ તેમણે સ્પષ્ટ કરી દીધું છે.

છૂટા પડેલા અજિત પવારે કાકા સામે આકરા પ્રહારો કર્યા છતાં શરદ પવાર જરાય અકળાયા નહીં અને કોઈ પ્રતિક્રિયા આપી નહીં. બારામતીમાં પુત્રી સુપ્રિયા સુળે માટે જોરદાર પ્રચાર કર્યો અને એમવીએના ઉમેદવારો માટે સુદ્ધાં સભાઓ સંબોધી હતી. અજિત પવારને માત્ર પાંચ બેઠક પર ચૂંટણી લડવા મળી જેમાંથી માત્ર એક જ (રાયગઢ) બેઠક પર તેઓ સફળતા મેળવી શક્યા હતા.

લોકસભા ચૂંટણીમાં ‘ઈન્ડિ’ ગઠબંધનના પ્રભાવી દેખાવ પછી વિરોધ પક્ષના નેતાઓ આગામી ચૂંટણીમાં ભાજપ સામે કેવી વ્યૂહરચના અપનાવવી એ અંગે શરદ પવાર પાસે સલાહ અને માર્ગદર્શન મેળવવા ઉત્સુક હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button