સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું નિધન
લાંબી માંદગીને કારણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
મુંબઇઃ સહારા ઈન્ડિયા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. સહારા ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુબ્રત રોય લાંબા સમયથી બિમારીથી પીડિત હતા તેમણે 14 નવેમ્બર, મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમની કંપનીએ એક મીડિયાનિવેદનમાં જણાવ્યું હતું કે મેટાસ્ટેટિક મેલિગ્નન્સી, હાયપરટેન્શન અને ડાયાબિટીસથી ઉદ્ભવતી ગૂંચવણો સાથે લાંબી લડાઈ પછી કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે મંગળવારે રાત્રે 10.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. તબિયત બગડતાં તેમને 12 નવેમ્બર 2023ના રોજ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (KDAH)માં દાખલ કરવામાં આવ્યા હતા.સુબ્રત રોયના નિધન બાદ આજે તેમના પાર્થિવ દેહને લખનઊ લાવવામાં આવશે
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે રોયને ભાવુક શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેમનું અવસાન રાજ્ય અને દેશ માટે એક ભાવનાત્મક ખોટ છે કારણ કે તેઓ ખૂબ જ સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા. એક એવા દિલના માલિક જેમણે અસંખ્ય લોકોને મદદ કરી અને ટેકો આપ્યો.
ફિલ્મ નિર્માતા આકાશદીપ સાબીરે રોયના નિધનને કારણે પડેલી ઊંડી ખોટ પર દિલી લાગણીઓ શેર કરી હતી. “તેમની બગડતી તબિયતને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા… મને ખબર નથી પડતી કે શું કહેવું. હું તેમને અંગત રીતે ઓળખતો હતો,” સાબીરે ભાવનાત્મક સ્વરે જણાવ્યું હતું. “અમે ક્યારેય તેમના જેવા કોઈને મળ્યા નથી; અમે નસીબદાર હતા કે તેમની સાથે કામ કરવાની તક મળી અને સારો સમય પસાર કર્યો.”
ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મહાન પ્રેરક, વક્તા અને રમત પ્રેમી હવે નથી રહ્યા.”
સત્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર સેક્રેટરી ચેતન ઉપાધ્યાયે દિવંગત બિઝનેસ દિગ્ગજ વ્યક્તિના જીવન અને વારસા પર કરુણ વિચારો રજૂ કર્યા હતા. ઉપાધ્યાયે કહ્યું હતું કે, “આજનો દિવસ ઉદાસીનો છે.” તેમણે ઝીરોથી તેમની સફર શરૂ કરી હતી. તેઓ ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમના પાર્થિવ દેહને લખનઊ લઈ જવામાં આવશે અને અહીંજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે,” એમ તેમણે કહ્યું હતું.
10 જૂન, 1948 ના રોજ બિહારના અરરિયામાં જન્મેલા સુબ્રત રોય ભારતીય વ્યાપાર ક્ષેત્રની એક અગ્રણી વ્યક્તિ હતા, જેમણે નાણા, રિયલ એસ્ટેટ, મીડિયા અને હોસ્પિટાલિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં એક વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. તેઓ રાજકારણ અને બોલિવૂડના ક્ષેત્રોમાં અગ્રણી અને શક્તિશાળી લોકો વચ્ચે મિત્રતા બનાવવા માટે પણ જાણીતા હતા.