મુંબઇની કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ સામે વિદ્યાર્થિનીઓ હાઇ કોર્ટમાં
કર્ણાટક બાદ હવે મુંબઇની એક કૉલેજમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર હિજાબ અને બુરખા પહેરવા પર પ્રતિબંધને લઇને વિવાદ શરૂ થયો છે. મુંબઈના ચેમ્બુર સ્થિત N. G. Acharya & D. K. Marathe Collegeમાં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ નવ વિદ્યાર્થીનીઓએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. વિદ્યાર્થીનીઓએ હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે. આ સાથે કોલેજ પ્રશાસન પર ધર્મના આધારે પક્ષપાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આચાર્ય કોલેજમાં ગત વર્ષે પણ હિજાબ પર પ્રતિબંધનો મુદ્દો ચર્ચામાં હતો અને ફરી એકવાર તેની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડ્રેસ કોડના નામે હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. કોલેજ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ “મનસ્વી, અયોગ્ય, ગેરકાયદેસર અને વિકૃત” છે. જસ્ટિસ એએસ ચંદુરકરની આગેવાની હેઠળની બેન્ચ આ અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે.
અરજદાર વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો છે કે તેઓ ઘણા વર્ષોથી કોલેજમાં નકાબ અને હિજાબ પહેરે છે. તાજેતરમાં જ કોલેજની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ માટે નોટિસ લખવામાં આવી છે. આ નોટિસ વોટ્સએપ પર પણ મોકલવામાં આવી છે, જેમાં ડ્રેસ કોડ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે નકાબ, હિજાબ, બુરખો, કેપ વગેરે પહેરવા પર પ્રતિબંધ છે. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોલેજ દ્વારા લાગુ કરાયેલ ડ્રેસ કોડ તેમના ગૌરવ, ગોપનીયતા અને ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
આ મુદ્દે કોલેજના પ્રિન્સિપાલ વિદ્યા ગૌરી લેલેએ જણાવ્યું હતું કે કોલેજે આ વર્ષે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. મે મહિનામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આને લગતા નિયમોની જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જે કોઈને ડ્રેસ કોડ સ્વીકાર્ય નથી લાગતો તે કૉલેજ છોડી શકે છે. તેમણે કહ્યું કે 1 મેના રોજ અમે વાલીઓ સાથે બેઠક કરી હતી અને નવી ડ્રેસ કોડ નીતિ અંગે ચર્ચા કરી હતી. અમે તેમને દરેક વસ્તુ વિશે સ્પષ્ટ કહ્યું હતું.
Also Read –