આમચી મુંબઈ

મુંબઈ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 40 વિદ્યાર્થિની બની ફૂડ-પોઈઝનિંગનો શિકાર

મુંબઈ: કલિના સ્થિત મુંબઈ યુનિવર્સિટીની ન્યૂ ગર્લ્સ હૉસ્ટેલમાં 40 વિદ્યાર્થિનીઓમાં ડાયેરિયા, ઉલટી, પેટ અને માથું દુખવું જેવા લક્ષણો બુધવારથી જણાઈ રહ્યા હતા. જોકે તેમને હૉસ્પિટલમાં દાખલ નહીં કરતાં તેમના પર કેમ્પસના હેલ્થ સેન્ટરમાં જ સારવાર ચાલી રહી છે અને હવે તેમની તબિયત સ્થિર હોવાની સામે આવ્યું છે.

મુંબઈ યુનિવર્સિટીની ન્યૂ ગર્લ્સ હૉસ્ટેલમાં બનેલી આ ઘટના અંગે યુવા સેના દ્વારા દૂષિત પાણીને લીધે 40 વિદ્યાર્થિનીની તબિયત બગડી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. જોકે આ આરોપો અંગે માહિતી આપતા યુનિવર્સિટીના એક સંચાલકે કહ્યું હતું કે કેમ્પસના પાણીની તપાસ કરવામાં આવી હતી, પણ તેમાં કોઈ પણ હાનિકારક બાબત મળી આવી નહોતી. ગરમીને કારણે વિદ્યાર્થિનીઓ બીમાર પડી હોઈ શકે છે તેમ જ યુનિવર્સિટી દ્વારા તેમની તબિયતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગર્લ્સ હૉસ્ટેલનું એક વર્ષ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પાણીના પુરવઠો કરવા માટે કોઈ પણ પાઇપલાઇન જોડવામાં આવી નહોતી, જેને કારણે આઠ મહિના સુધી ટેન્કર મારફત પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો હતો અને હવે મુંબઈ પાલિકા દ્વારા હૉસ્ટેલમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેને કારણે દૂષિત પાણીથી વિદ્યાર્થિનીઓની તબિયત ખરાબ થઈ હોવાના આરોપોને પ્રશાસન દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.

જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી છોકરીઓને આવો ત્રાસ થતાં હૉસ્ટેલના મેડિકલ સેન્ટર લઈ જવામાં આવી હતી પણ આ મેડિકલ સેન્ટર બપોરે ચાર વાગ્યે બંધ થઈ જતાં વિદ્યાર્થિનીઓને તરત જ ઉપચાર નહોતો મળ્યો. જેને કારણે અન્ય વિદ્યાર્થિનીઓએ પોતાની પાસે રહેલી દવા લીધી અને અમુક વિદ્યાર્થિનીઓએ કેમ્પસની બહાર જઈને બીજા ડૉક્ટર પાસેથી સારવાર લીધી હતી. હૉસ્ટેલના કેમ્પસનું મેડિકલ સેન્ટર 24 કલાક શરૂ રાખવું જોઈને અને પૂરતા ડૉક્ટરો પણ હોવા જોઈએ એવી સંગઠનના વિદ્યાર્થીએ ડિમાન્ડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button