ગેરકાયદે હૉર્ડિંગ્સ, બૅનર લગાવનારા અને અતિક્રમણ કરનારા સામે આકરા પગલા લેવાશે: સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઠેર-ઠેર ગેરકાયદે હૉર્ડિંગ્સ, બૅનર લગાવનારા, નધિયાણતું વાહન મૂકી જનારા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને મુંબઈને કદરૂપી બનાવનારાઓ સામે આકરા પગલા લેવાની ચીમકી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. એ સાથે જ ગેરકાયદેસર હૉર્ડિંગ્સની છપાઈ કરી આપનારા વ્યવસાયિકોને નોટિસ આપવાની ચેતવણી પણ પાલિકા પ્રશાસને આપી છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુંબઈને સુશોભિત કરવા માટે માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જોકે પાલિકાની હદમાં રહેલા ડિવાઈડર પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા હૉર્ડિંગ્સને કારણે મુંબઈ કદરૂપી બની રહી છે. કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં લેતા આવા હૉર્ડિંગ્સ લગાવવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું છે, તેથી હવેથી આવા ગેરકાયદેસર રીતે હૉર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવનારા સહિત તેની છપાઈ કરી આપનારા પ્રિન્ટર્સ વ્યવસાયિકોને પણ નોટિસ આપવાનો આદેશ પાલિકાના એડિશનલ કમિશનર (શહેર) અશ્વિની જોશીએ આપ્યો હતો.
મુંબઈમાં રસ્તા પર અનેક જગ્યાએ નધિયાણી હાલતમાં અને ભંગાર વાહનો મૂકવાનું પ્રમાણ પણ વધું છે. તેથી આવા બેવારસ અને ભંગાર વાહનોને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવવાની છે. તેમ જ ફૂટપાથ પરના અતિક્રમણ હટાવવાની ઝુંબેશ પણ સતત ચાલુ રાખવામાં આવવાની છે અને આવશ્યકતા જણાઈ ત્યાં પોલીસની મદદ લેવાની સૂચના પણ સંબંધિત વિભાગને આપવામાં આવી છે.