શેરબજારમાં જબરદસ્ત તેજી, માર્કેટ કેપમાં રૂ. ૭.૩૦ લાખ કરોડનો ઉછાળો
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ફરી તેજીનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને સેન્સેક્સ ૧૩૩૦ પોઇન્ટના, બે મહિનાના શ્રેષ્ઠ એક દિવસીય ઉછાળા સાથે ૮૦,૪૩૭ પોઇન્ટની સપાટીએ પહોંચી ગયો છેે. એ જ સાથે બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય પણ રૂ. ૭.૩૦ લાખ કરોડના ઉછાળા સાથે રૂ. ૪૫૧.૪૬ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે.
માર્કેટ બ્રેથ પણ તેજીવાળાની તરફેણમાં રહી હતી, પ્રત્યેક ઘટેલા શેર સામે લગભગ બે શેરો વધ્યા હતા. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨,૧૬૬ શેર વધ્યા હતા અને ૧,૨૪૫ ઘટ્યા હતા જ્યારે ૭૩ મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે.
બજારના જાણકારો અનુસાર અમેરિકાની મંદીનો ભય ઓસરવા સાથે ખાસ કરીને જાપાની યેનની સ્થિરતાની બદોલત ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો છે. ઇન્ફલેશન અને જોબલેસ ક્લેમના ડેટા જાહેર થયાં બાદ અમેરિકા સામેથી મંદીનો હાઉ દૂર થવાને કારણે અને જાપાનના યેનમાં સ્થિરતા આવવાથી ગ્લોબલ હેજ ફંડ ઇક્વિટી માર્કેટમાં ફરી સક્રિય થશે એવી અપેક્ષા છે.
આ પણ વાંચો : હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 8%નો કડાકો, વેદાંતાના આ નિર્ણયને કારણે શેર તૂટ્યા
અમેરિકામાં આ અઠવાડિયે ફુગાવાથી લઈને જોબલેસ ક્લેમ અને રિટેલ સેલના ડેટા એવા સંકેતો આપી રહ્યાં છે કે વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સંભવિત મંદીથી સુરક્ષિત હોવાથી યુએસ ફેડરલ રિઝર્વ રેટ કટને મામલે સકારાત્મક અભિગમ અપનાવશે.
સત્રને અંતે સેન્સેક્સ ૧,૩૩૦.૯૬ પોઈન્ટ અથવા ૧.૬૮ ટકા વધીને ૮૦,૪૩૬.૮૪ પોઈન્ટના સ્તરે અને નિફ્ટી ૩૯૭.૪૦ પોઈન્ટ અથવા ૧.૬૫ ટકા વધીને ૨૪,૫૪૧.૨૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઈલ, બેન્ક, મેટલ્સ અને રિયલ્ટી ૧.૫-ત્રણ ટકાના ઉછાળા સાથે, તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ લગભગ બે ટકા વધવા સાથે વ્યાપક બજારમાં પણ ખરીદી મજબૂત રહી હતી.
ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે નિફ્ટીએ ૨૪,૪૦૦-૨૪,૪૫૦નો નિર્ણાયક પ્રતિકાર ઝોન વટાવી ચૂક્યો છે, આ જોતાં ૨૪,૮૦૦-૨૪,૮૫૦ પર સંભવિત લક્ષ્યાંક સાથે અપટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે. એ જ રીતે, ૨૪,૩૫૦ તરફ કોઈ પણ ઘટાડો નવેસરથી ખરીદીને આકર્ષે તેવી શક્યતા છે