શેરબજારમાં રૂ. ૧૩ લાખ કરોડ સ્વાહા, ચાંદીમાં કિલોએ રૂ. ૧૪૯૫નો જોરદાર ઉછાળો…
નિલેશ વાઘેલા
મુંબઇ: એકધારી મંદીને કારણે ઇક્વિટી રોકાણકારોની મત્તમાં સતત ધોવાણ થઇ રહ્યું છે. બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સમાં બે દિવસમાં નોંધાયેલા અંદાજે બે ટકાના માતબર કડાકામાં તમામ લિસ્ટેડ શેરોના કુલ માર્કેટ વેલ્યુએશનમાં રૂ. ૧૩ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે.
આ પણ વાંચો : Mutual Fund: આ ફંડે 22 વર્ષમાં આપ્યું અધધધ વળતર, 10 લાખના 7.26 કરોડ થયા
બુલિયન બજારમાં જોકે બુધવારે તેજીનો પવન ફૂંકાયો હતો. મુંબઇના સ્થાનિક ઝવેરી બજારમાં સોનું ફરી ૭૫,૨૫૦ની સપાટી વટાવી ગયું હતું, જ્યારે ચાંદી એક કિલોએ રૂ. ૧૪૯૫ની જમ્પ સાથે ફરી રૂ. ૮૯,૭૫૦ની નિકટ પહોંચી ગઇ છે.
શેરબજારમાં બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સમાં બે દિવસમાં ૧,૮૦૫.૨ પોઈન્ટ અથવા ૨.૨૭ ટકાનો કડાકો નોંધાયો હતો. બુધવારે આ બેન્ચમાર્ક ૯૮૪.૨૩ પોઈન્ટ અથવા ૧.૨૫ ટકા ઘટીને ૭૭,૬૯૦.૯૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
ઓકટોબરમાં રિટેલ ફુગાવો ૬.૨૧ ટકાની ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, વિદેશી ભંડોળનો સતત બાહ્યપ્રવાહ અને નિરસ ત્રિમાસિક કંપની પરિણામ બજારોમાં ભારે કરેક્શન પાછળના મુખ્ય કારણો હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું.
એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ફ્રન્ટલાઈન હેવીવેઇટ શેરોમાં વેચવાલી સાથે યુએસ અને એશિયન પીઅર્સમાં નબળા વલણોએ પણ બજારને નીચી સપાટીએ ધકેલવામાં ફાળો આપ્યો છે. રિટેલ ફુગાવો ઓક્ટોબરમાં ૬.૨૧ ટકાની ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, તેમ જ વિદેશી રોકાણકારોનો તીવ્ર આઉટફ્લો, ઊંચા વેલ્યુએશન અને બીજા કવાર્ટરના નબળા પરિણામો વચ્ચે બજારનું માનસ ખરડાઇ રહ્યું છે અને રોકાણકારોમાં સાવચેતીનું માનસ છે.
આ પણ વાંચો : US Fed Rate Cut: અમેરિકામાં વ્યાજ દરમાં ફરી ઘટાડો, જાણો શું શેરબજાર પર શું અસર થશે?
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક સેન્સેકસના શેરોમાં સૌથી વધુ ગબડનારા શેરોની યાદીમાં ટોચ પર હતા. જ્યારે ટાટા મોટર્સ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ફોસિસ ટોપ ગેઇનર્સની યાદીમાં હતાં.