એન્ટી સ્મોગ મશીન માટે હજી રાહ જોવી પડશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા અગાઉ ૩૦ એન્ટી સ્મોગ મશીન ખરીદવાની હતી. પરંતુ તેમાં વિલંબ થવાનો હોવાથી પાલિકા પ્રશાસને ૨૪ વોર્ડ માટે ૨૪ એન્ટી સ્મોગ મશીન ભાડા પર લેવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી જોકે માત્ર ચાર મશીન જ મળ્યા છે. બાકીના મશીન ડિસેમ્બર અંત સુધીમાં મળે એવી શક્યતા છે. મશીન મળવામાં થઈ રહેલા વિલંબને પગલે હાલ શહેર અને પૂર્વ ઉપગરમાં એક-એક તો પશ્ર્ચિમ ઉપનગર બે મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈની હવામાં ધૂળનું પ્રમાણ નિયંત્રણમાં લાવવા પાલિકાએ દરેક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર એન્ટી સ્મોગ મશીન બેસાડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ મશીન ઉત્તર ભારતના રાજ્યમાં જ ઉપલબ્ધ હોવાથી તેને ખરીદવાની યોજના તાત્પૂરતી માંડી વાળી છે અને હવે નવા મશીન ખરીદવાને બદલે પાલિકાએ હાલ ૨૪ એન્ટી સ્મોગ ગન ભાડે લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે અત્યાર સુધી પાલિકાને જમશેદપુરથી માત્ર ચાર જ મશીન મળ્યા છે.
વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પાલિકાએ કાયમી સ્વરૂપના મશીનનો કબજો મળતો નથી ત્યાં સુધી ભાડા પર આવા પ્રકારના મશીન વાપરવાનો નિર્ણય લીધો છે. તેથી ૨૪ વોર્ડ માટે એક-એક એમ ૨૪ મશીન ભાડા પર લેવામાં આવવાના છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ભારતના ઉત્તરીય રાજ્યો મોટાભાગે ધુમ્મસથી ઢંકાયેલા હોય છે. તેથી સામાન્ય રીતે આ મશીનનો ઉપયોગ ત્યાં વધુ થાય છે. મુંબઈમાં શિયાળામાં પ્રદૂષણ વધવાની શક્યતા વધુ છે અને મશીનનો કબજો શિયાળા બાદ મળે એવો ડર હતો. તેથી ખરીદવાને બદલે હાલ ભાડા પર એન્ટી સ્મોગ ગન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ ચાર મશીન મળ્યા છે. અન્ય ચાર મશીન સોમવાર સુધી મળી જશે. બાકીના મશીનો ૨૫ ડિસેમ્બર સુધી મળે એવી શક્યતા છે. આ તમામ ઉપકરણો વેહીકલ માઉન્ટેડ હશે અને શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોને પ્રાધાન્યમાં રાખીને તેનો ઉપયોગ કરાશે.
નોંધનીય છે કે એન્ટી સ્મોગ ગન જેને મિસ્ટ સ્પ્રે મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ પાણીનો છંટકાવ કરવા માટે કરવામાં આવે છે. તે વાહનમાં લાગેલી પાણીની ટાંકી સાથે જોડાયેલા હોય છે. તે પાણીનો પ્રોપેલર્સ દ્વારા ઉચ્ચ દબાણ પર પસાર કરીને સ્પ્રેમાં ફેરવે છે. વાતાવરણમાં પાણીનો છંટકાવ થવાને કારણે હવામાં રહેલી ધૂળ અને પ્રદૂષિત કણો નીચે બેસી જાય છે.