સ્ટેટ ટ્રાન્સપોર્ટ થશે આર્થિક રીતે સધ્ધર પોતાની માલિકીની જગ્યા પર સોલાર ઍનર્જી પ્લાન્ટ ઊભો કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક રીતે ખખડી ગયેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને હવે આર્થિક રીતે સદ્ધર થવા માટે પોતાની માલિકીની ખાલી પડેલી મોકાની જગ્યા પર તેમ જ બસસ્ટોપની છત પર સોલાર એનર્જી પ્રોજેક્ટ ઊભો કરવાની યોજના બનાવી છે. વર્ષે દહાડે એક હજાર કરોડ રૂપિયા સુધીની વીજળીનું ઉત્પાદન કરવાનો સ્ટેટ ટ્રાન્સપોર્ટે લક્ષ્યાંક રાખ્યો છે.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ષોથી ખોટમાં રહી છે અને જુદા જુદા માધ્યમથી તે આવક ઊભી કરવાનો પ્રયાસ કરી છે, જેમાં હવે રાજ્યમાં જુદા જુદા સ્થળે આવેલી પોતાની માલિકીની ખુલ્લી જગ્યા, તેમ જ બસ સ્ટોપની છત ઊફર સોલાર એનર્જીનું ઉત્પાદન કરવા માગે છે. આ પ્રોજેક્ટના માધ્યમથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ષે લગભગ ૩૦૦ મેગાવૉટ જેટલી વીજળીનું ઉત્પાદન કરીને વર્ષે લગભગ એક હજાર કરોડ રૂપિયાની કિંમતની વીજળીનું ઉત્પાદન કરીને ‘સોલાર એનર્જી હબ’ તરીકે ઊભું થવા માગતું હોવાની જાહેરાત રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને સ્ટેટ ટ્રાન્સપોર્ટના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે કરી હતી.
આ પણ વાંચો: સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે તેની જમીન બનશે સોનાની લગડી
સોમવારે સ્ટેટ ટ્રાન્સપોર્ટના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક થઈ હતી. બેઠક બાદ પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેટ ટ્રાન્સપોર્ટની જગ્યા પર ખાનગી-સાર્વજનિક ભાગીદારીના માધ્યમથી વિવિધ વિકાસના પ્રોજેક્ટ ઊભા કરવામાં આવશે. એ સાથે જ બાકી રહેલી જગ્યા ખુલ્લી જગ્યા પર સોલાર એનર્જી ખેતી દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. ૩૦૦ મેગાવોટર ક્ષમતાના વીજળી ઉત્પાદન પ્રોજેક્ટ માટે આવશ્યકતા જણાઈ તો સરકારની નિર્જન પડી રહેલી જગ્યા પર સરકારની મંજૂરી લઈ નામ માત્ર ભાડું વસૂલ કરીને સોલાર એનર્જી પ્રોજેક્ટ ઊભો કરાશે.
હાલ સ્ટેટ ટ્રાન્સપોર્ટને દૈનિક એસ્ટાબ્લિશમેન્ટ માટે વર્ષે ૧૫ મેગાવોટ જેટલી વીજળીની આવશ્યકતા હોય છે. તે માટે કુલ ૨૫થી ૩૦ કરોડ રૂપિયાનું બિલ મહાવિતરણને ચૂકવવામાં આવે છે. ભવિષ્યમાં આવનારા હજારો ઈલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ ૨૮૦ મેગાવોટ જેટલી વીજળીની ગરજ લાગશે. આ વીજળી સ્ટેટ ટ્રાન્સપોર્ટે સોલાર એનર્જીના માધ્યમથી તૈયાર કરી તો ભવિષ્યમાં વર્ષે લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચમાં બચત થશે એવો દાવો પ્રતાપ સરનાઈકે કર્યો હતો.
 


