સિદ્ધિવિનાયક મંદિરનું બ્યુટિફિકેશન ગણેશ ચતુર્થીથી શરૂ કરો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
પાંચ કિલોમીટરના કોરિડોરને માટે મુંબઈ મનપા ખર્ચ કરશે રૂ. 500 કરોડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના અનેક લોકોના આસ્થા સ્થાન સમાન પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરે આવતા શ્રધ્ધાળુઓને શ્રેષ્ઠ ગુણવત્તાની સુવિધા મળી રહે તે માટે બ્યુટીફીકેશનની કામગીરી ઝડપથી કરવી જોઇએ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી ગણેશ ચતુર્થીના દિવસે આ કામ શરૂ કરી શકાય તે રીતનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પરિસરના બ્યુટીફિકેશન અને સુવિધાઓને લગતી કામગીરીની સમીક્ષા કરવા સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ શહેર જિલ્લાના પાલક પ્રધાન દીપક કેસરકર, શ્રી સિદ્ધિવિનાયક ટ્રસ્ટના અધ્યક્ષ વિધાનસભ્ય સદા સરવણકર, ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળે, મુખ્ય પ્રધાનના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. આઈ. એસ. ચહલ, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી હાજર હતા.
શ્રી સિદ્ધિવિનાયક મંદિર પરિસરના બ્યુટીફિકેશન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા પાંચસો કરોડનું ફંડ આપવામાં આવશે અને આ કામ અંગે મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પ્રેઝન્ટેશનમાં પ્રવાસીઓ માટે આવાસ, પાંચ કિલોમીટરનો કોરિડોર, દુકાનો, પાર્કિંગ, ભક્તો માટે દર્શન પંક્તિ વગેરે જેવા વિવિધ પાસાઓ અંગે મુખ્ય પ્રધાનને માહિતી આપવામાં આવી હતી.