આમચી મુંબઈ

ઘાટકોપર સ્ટેશન પર સ્ટેમપીડનો ભય: સુવિધા વધારાશે

મુંબઈ: ભીડના સમયે સંભવિત સ્ટેમપીડ (ભગદડ) ટાળવા ઘાટકોપરના રેલવે સ્ટેશનમાં સગવડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ નવા છ રાહદારી પુલ બાંધવાનો અને ૧૪ એસ્કેલેટર બેસાડવાનો નિર્ણય લીધો છે. નવી સુવિધા માટે ૫૦-૬૦ કરોડનો ખર્ચ અપેક્ષિત છે અને એને કારણે ધસારાના સમયે ભીડ ઘટાડવામાં મદદ થશે. ફૂટ ઓવરબ્રિજ-રાહદારી પુલને કારણે વ્યવસાયિક વપરાશ માટે વધુ જગ્યા મળશે અને એસ્કેલેટરની હાજરીથી મુસાફરોને આવન-જાવનમાં રાહત મળશે. હાલ સ્ટેશન પર દરરોજ ૩-૪ લાખ ઉપનગરીય રેલવે ટ્રેનના મુસાફરો અને ૪.૮૦ લાખ મેટ્રોના મુસાફરો આવજા કરતા હોય છે.

ઉપનગરીય રેલવે ટ્રેનનો જે પુલ વર્સોવા – અંધેરી – ઘાટકોપર મેટ્રો ૧ લાઈન સાથે જોડાયેલો છે ત્યાં વિશેષ ભીડ થતી હોય છે. આ તેમજ અન્ય ભીડની સમસ્યા હળવી કરવા એમઆરવીસીએ છ રાહદારી પુલ અને ૨૪ એસ્કેલેટર્સ બાંધવાની દરખાસ્ત રજૂ કરી છે. એમઆરવીસીના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ‘છ રાહદારી પુલ પૈકી ત્રણ હાલના પૂર્વ-પશ્ર્ચિમને જોડતા પુલને સમાંતર રહેશે. આ ત્રણ પુલ ૧૨ મીટર પહોળા હશે અને લોકોને આવજા કરવામાં અનુકૂળતા રહેશે. આ ઉપરાંત ૧૪ એસ્કેલેટર્સ અને ચાર લિફ્ટ પણ બાંધવામાં આવશે. અન્ય ત્રણ રાહદારી પુલ ૧૦ મીટર પહોળા હશે. નવી વ્યવસ્થાને કારણે વધુ ટિકિટ બારી, ફૂડ સ્ટોલ અને દુકાનની સગવડ વધશે અને પ્લેટફોર્મ નીચેના અતિક્રમણ દૂર થશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button