વાડા પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: 55ને ઇજા: 47 વિદ્યાર્થીઓનો સમાવેશ: 2ની હાલત ગંભીર
વાડા: વાડા-મલવાડા રસ્તા પર મલવાડા ફાટા પાસે શુક્રવારે સવારે પોણા સાત વાગ્યાની આસપાસ ચિંચપાડા-વાડા એસટી બસ સામેથી આવતાં ટ્રક સાથે અથડાતા ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 47 વિદ્યાર્થીઓ ઉપરાંત 8 મુસાફરોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બસમાં વિદ્યાર્થીઓ સહિત 63 મુસાફરો હતાં.
તેજૂ ઘાટાળ (17) આ વિદ્યાર્થીનીને માથામાં અને મોઢા પર ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે થાણેની હોસ્પિટલમાં જ્યારે બસના ડ્રાઇવર શંકર સોનકાંબળેને સારવાર માટે કલ્યાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ ચિંચપાડાથી સવારે સવા છ વાગે વાડાની દિશામાં નિકળી હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય આઠ મુસાફરો આ બસમાં હતાં. વાડાથી એક કિલોમિટરના અંતરે આવેલ દેસાઇ નાકા પાસે વળાંક પર આ અકસ્માત થયો હતો. અનેક વિદ્યાર્થીઓના મોઢા પર, દાંત પર અને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે.
વાડાની પી.જે. હાઇસ્કૂલ તથા સ્વામી વિવેકાનંદ આ બંને માધ્યમિક સ્કૂલનો સમય સવારનો હોવાથી ચિંચપાડા, પીક, શિલોત્તર, દેવળી, માનીવલી આ વિસ્તારના 56 વિદ્યાર્થીઓ આ બસમાંથી મુસાફરી કરી રહ્યાં હતાં.
અકસ્માતની જાણ થતાં જ પાલઘર જિલ્લા અધિકારી ગોવિંદ બોડકે તથા એસ.ટી. મહામંડળના ટ્રાફિક નિયંત્રણ અધિકારી વિલાસ રાઠોડે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અને ઇજાગ્રસ્તોની માહિતી મેળવી હતી. તથા સંબધિત વિભાગોને વહેલી તકે સારવાર કરવાની સૂચના પણ આપી હતી.