Maharashtra: Sanjay Rautએ ફરી ફોડયો ફોટોબોમ્બ, આ વખતે શ્રીકાંત શિંદે નિશાના પર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણમાં હંમેશાં ગરમાટો જ રહેતો હોય છે. તાજેતરમાં જ સત્તાધારી ત્રણ પક્ષમાંથી બે વક્ષ વચ્ચે થયેલા ઝગડા અને ગોળીબારને લીધે રાજકારણ ગરમાયું હતું તો ફરી એક નેતાનો એક ગુંડા સાથેનો ફોટો શેર કરી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ખળભળાટ મચાવ્યો છે.
સંજય રાઉતે એક ફોટો ટ્વીટ કર્યો છે અને રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ગૂંડાગર્દી ચાલુ છે. સત્તાધારી પક્ષના વિધાનસભ્ય પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કરે છે. ગૂંડાઓની હિંમત આટલી કઈ રીતે વધી, આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, કાલે સરકારના બાળરાજાનો જન્મદિવસ ઉજવાયો. બાળરાજાને શુભેચ્છા આપનારી વર્તુળમાં દેખાતી આ વ્યક્તિ કોણ તે શોધો. એટલે રાજ્યમાં ગુંડાગીરી કોણ પોષે છે તે ખબર પડે. આવો આક્ષેપ રાઉતે કર્યો છે.
રાઉતે જે ફોટો ટ્વીટ કર્યો છે તેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે છે અને જેમને ગુંડો કહેવામાં આવે છે તે હેમંત દાભેકર હોવાનું કહેવાય છે અને તે હાલમાં જામીન પર બહાર છે.
થોડા દિવસો પહેલા એનસીપીના નેતા પાર્થ પવારે કુખ્યાત ગુંડા ગજાનનની મુલાકાત લીધી હતી અને તેની ટીકા થઈ હતી. ઉલ્હાસનગરમાં ફાયરિંગની ઘટના બાદ વાતાવરણ ભારે તંગ થયું છે અને વિરોધી પક્ષોને ટીકા કરવાનો મોકો મળ્યો છે ત્યારે હવે સંજય રાઉતે નવો આક્ષેપો કરી ફરી વાદ વધાર્યો છે. જોકે હજુ સુધી શિંદેજૂથ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા મળી નથી.