આમચી મુંબઈ

‘સ્પાઈડરમૅન ચોર’ પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડ્રેનેજની પાઈપથી બિલ્ડિંગ પર ચઢી ફ્લૅટમાં ચોરી કરનારા ‘સ્પાઈડરમૅન ચોર’ને એમએમબી કોલોની પોલીસે પકડી પાડ્યો હતો. પાઈપથી ઊતરતી વખતે પડી ગયેલા ચોરના બે દાંત તૂટી ગયા હતા અને આ દાંત જ પોલીસને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ આરોપી સુધી દોરી ગયા હતા. એમએચબી કોલોની પોેલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રોહિત રમેશ રાઠોડ (૨૯) તરીકે થઈ હતી. દહિસર પૂર્વના કોંકણી પાડા ખાતે રહેતા આરોપી વિરુદ્ધ મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૯ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીને અગાઉ બે વર્ષ માટે મુંબઈ અને થાણે જિલ્લામાંથી તડીપાર સુધ્ધાં કરાયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી જૂન, ૨૦૨૩ની રાતે દહિસર પશ્ર્ચિમના અર્પિતા એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી ફરિયાદી શ્ર્વેતા વીરા (૩૨)ના ફ્લૅટમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. મધરાતે અચાનક ઊંઘમાંથી જાગી ગયેલી શ્ર્વેતાની નજર આરોપી પર પડી હતી. શ્ર્વેતાએ ફ્લૅટની લાઈટ ચાલુ કરતાં જ આરોપી કિચનની બારીમાંથી ભાગી ગયો હતો. ફ્લૅટમાંથી સોનાની કાનની બૂટી અને રોકડ રકમ ચોરાઈ હતી.

આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી સોસાયટીમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક શખસ પાઈપથી ઉપર ચઢતો અને પાછો નીચે ઊતરતો નજરે પડ્યો હતો. જોકે બીજા માળથી પાઈપથી ઊતરતી વખતે સંતુલન ગુમાવવાથી ચોર જમીન પર પટકાયો હતો. બાદમાં લથોડિયાં ખાતો તે સોસાયટીની બહાર ગયો હતો.

એપીઆઈ સૂર્યકાંત પવારની ટીમે ઘટનાસ્થળે તપાસ કરતાં બે તૂટેલા દાંત મળી આવ્યા હતા. એ સિવાય પાસેની દીવાલ પર લોહી લાગેલું હતું. પોલીસને શંકા હતી કે ચોરના દાંત તૂટ્યા હતા અને સારવાર માટે દવાખાને ગયો હશે. પરિણામે પોલીસની ટીમે શહેરની લગભગ ૮૦૦ હૉસ્પિટલમાં તપાસ કરી હતી. આરોપી સાંતાક્રુઝની એક હૉસ્પિટલમાં દાખલ હોવાની માહિતી મળતાં પોલીસે તેના પર નજર રાખી હતી.

સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા મળતાં આરોપીને તાબામાં લેવાયો હતો. પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરતાં તેની પાસેથી ચોરીની મતા હસ્તગત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button