મુંબઈથી દુબઈ જતી આ એરલાયન્સની ફ્લાઈટ 12 કલાક મોડી ઉપડતા મુસાફરો બેહાલ

મુંબઇઃ પ્રમાણમાં સસ્તી ટિકિટ ઓફર કરતી સ્પાઈસ જેટ એરલાયન્સની સેવાઓ ઘણા સમયથી બરાબર ન હોવાના બનાવો બનતા રહે છે. હાલમાં જ મુંબઈથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મોટા વિલંબનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે 150થી વધુ મુસાફરો એરપોર્ટ પર 12 કલાકથી વધુ સમય સુધી ફસાયા હતા. ફ્લાઇટ, શરૂઆતમાં 31 ઓગસ્ટના રોજ 11:30 વાગ્યે ઉપડવા માટે નિર્ધારીત હતી, પણ આખરે આ ફ્લાઇટે 1 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ઉડાન ભરી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
આ પ્લેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોએ તેમની અગવડો અને અસુવિધા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વિમાનને ઉપડવામાં શા માટે વિલંબ થઇ રહ્યો છે એ વિશે ગ્રાઉન્ડ સ્ટાફ સાવ અજાણ હતો અથવા તો મુસાફરોને સાચું કારણ જણાવવા નહોતો માગતો. આ સમય દરમિયાન એરલાઇન્સે પ્રવાસીઓને ભોજન અને અન્ય સુવિધાઓ આપી નહોતી અને માત્ર એક બર્ગર જ ખાવા આપ્યું હતું.
આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા વરિષ્ઠ નાગરિકોને પણ કોઇ સુવિધા આપવામાં આવી નહોતી. આખી રાત તેમણે કંપીને પસાર કરવાનો વારો આવ્યો હતો. એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને ધાબળો પણ આપ્યો નહોતો. ફ્લાઇટના વિલંબથી લોકો એટલા ત્રાસી ગયા હતા કે તેમણે ફરી ક્યારેય સ્પાઇસ જેટમાં પ્રવાસ નહીં કરવાનું પણ નક્કી કરી લીધું હતું.
એમ જાણવા મળ્યું હતું કે કેબિન ક્રૂ સ્ટાફને સમયસર પગારની ચૂકવણી થઇ નહીં હોવાથી એરલાઇન્સનો કેટલોક સ્ટાફ હડતાળ પર ઉતર્યો હોવાથી સ્પાઇસજેટ સ્ટાફ શોર્ટેજનો સામનો કરી રહ્યું છે.જોકે આ મામલે એરલાઇન્સના સૂત્રો સાથે સંપર્ક થઈ શક્યો નથી કે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.