આમચી મુંબઈ

શિક્ષણ કરતાં નશા પાછળ વધુ ખર્ચ

10થી 17 વર્ષના બાળકો બન્યા છે વ્યસની

મુંબઈ: ભારતમાં લોકો શિક્ષણ કરતાં વધુ ખર્ચો નશો કરવા માટે કરતાં હોવાનો ચોંકાવનારો ખુલાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં થયો હતો. ગયા 10 વર્ષમાં પાન, તંબાકુ અને અન્ય નશીલા પદાર્થ પાછળ લોકો પોતાની કમાણીનો મોટો હિસ્સો ખર્ચ કરી રહ્યા હોવાની વાત સામે આવી હતી. વર્ષ 2022-23માં કરવામાં આવેલા સર્વે મુજબ જાણવા મળ્યું હતું કે ગ્રામીણ સાથે શહેરના લોકો પણ નશીલા પદાર્થો પર મોટી રકમ ખર્ચ કરે છે. સરકાર દ્વારા ઑગસ્ટ 2022થી જુલાઈ 2023 સુધી ગામ અને શહેરોમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં પરિવારની એક વ્યક્તિ વ્યસન માટે કેટલા રૂપિયા ખર્ચે છે એ બાબતે લોકોને પૂછવામાં આવ્યું હતું. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2011-12 કરતાં 2022-23માં નશા પાછળ ખર્ચ કરવાની સંખ્યામાં બમણો વધારો થયો હતો.

આ સર્વેથી એક પરિવારની પ્રતિ વ્યક્તિ પર કરવામાં આવેલા દર મહિનાના ખર્ચને નક્કી કરવામાં આવે છે અને તેનાથી પરિવારની આર્થિક પરિસ્થિતિ બાબતે અંદાજો લગાવવામાં આવે છે. આ સર્વેથી દેશમાં ગરીબી રેખાને જાણવામાં પણ મદદ મળે છે. આ બાબતે એક અધિકારીએ માહિતી આપી હતી કે વર્ષ 2011-12માં દેશના શહેરી ભાગોમાં લોકો એક મહિનામાં નશા પાછળ 2,630 રૂપિયા ખર્ચ કરતાં હતા જે 2022-23માં વધીને 6,459 રૂપિયા થઈ ગયો હતો. તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં એક વ્યક્તિ જ્યાં 1,430 રૂપિયા ખર્ચ કરતો હતો તે હવે વધીને 3,773 રૂપિયા થઈ ગયો છે.

દેશમાં નશા પાછળનો ખર્ચ એ ચિંતાની વાત છે. સરકારના આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે લગભગ 1.5 કરોડ સગીર બાળકો પણ નશાના જાળમાં ફસાઈ ગયા છે, જેમાં 10થી 17 વર્ષના બાળકો નિયમિતપણે નશો કરતાં હોવાનું સામે આવ્યું હતું. તેમ જ દેશના લગભગ 3.1 કરોડ લોકો ભાંગનો નશો કરે છે અને તેમાંથી મોટાભાગના લોકોને અનેક સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને લગભગ 2.26 કરોડ જેટલા લોકો બીજા અન્ય પ્રકારના નશીલા પદાર્થનું સેવન કરે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે 2011-12માં ગ્રામીણ ભાગોમાં લગભગ 3.21 ટકા અને શહેરી ભાગમાં 1.61 ટકા ખર્ચો નશા પાછળ કરવામાં આવ્યો હતો. તેમ જ 2022-23માં ગ્રામીણ ભાગમાં 3.79 ટકા અને શહેરી ભાગમાં 2.43 ટકા ખર્ચો લોકોએ નશા પાછળ કર્યો હતો. જોકે લોકો દ્વારા શિક્ષણ પાછળ કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં વર્ષ 2011-12માં ગ્રામીણ ભાગના લોકો 3.49 ટકા અને શહેરના લોકો 6.90 ટકાનો ખર્ચ શિક્ષણ પાછળ કરતાં હતા. આ સંખ્યા વર્ષ 2022-23માં ઘટીને 3.30 અને 5.78 થઈ હતી.

2011-12માં ગામના લોકોએ 7.90 ટકા અને શહેરના લોકોએ 8.98 ટકા ખર્ચ પીણાં અને પ્રોસેસ ફૂડ પાછળ કર્યો હતો જે વર્ષ 2022-23માં વધીને 9.62 ટકા અને 10.64 ટકા થયો હોવાનું સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું.

આપણી સંસ્કૃતિમાં જ્ઞાન અમૂલ્ય, પણ હવે પરવડતું નથી: હાઇ કોર્ટ
મુંબઈ: ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું શિક્ષણ હવે પરવડે તેવું રહ્યું નથી, એવી ટિપ્પણી બોમ્બે હાઈ કોર્ટે કરતા કહ્યું છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની રાજ્યની બંધારણીય જવાબદારી છે.

જસ્ટિસ એ એસ ચંદુરકર અને જિતેન્દ્ર જૈનની ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પુણેમાં શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે બે સંસ્થાઓને મંજૂરી ન આપવાના નિર્ણયોને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી હતી. આ અરજીઓ જાગૃતિ ફાઉન્ડેશન અને સંજય મોડક એજ્યુકેશન સોસાયટી દ્વારા દાખલ કરવામાં આવી હતી. સંસ્થાઓએ દાવો કર્યો હતો કે અપ્રસ્તુત કે ધડમાથા વગરની વિચારણાથી અન્ય સંસ્થાઓની સરખામણીમાં તેમને અલગ પાડવું એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

હાઈ કોર્ટે તેના 21 ફેબ્રુઆરીના આદેશમાં જણાવ્યું હતું કે અદાલત શિક્ષણ નીતિની બાબતોમાં નિષ્ણાત નથી અને રાજ્ય સરકાર શ્રેષ્ઠને પસંદ કરવા માટે શ્રેષ્ઠ સત્તા છે. અરજદારોને એ આધાર પર પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કે તેઓ આ ક્ષેત્રમાં નવા હતા અને અગાઉ કોઈ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં આવી નહોતી અને તેમની નાણાકીય સ્થિતિ મંજૂર કરાયેલી પરવાનગીઓ કરતા ઓછી હતી.

જોકે, બેન્ચે કહ્યું હતું કે નિર્ણય લેનાર સત્તા કુદરતી ન્યાયના નિયમોનો ભંગ કરે અથવા તેની સત્તાનો દુરુપયોગ કરે તો જ હસ્તક્ષેપ કરી શકાય. રાજ્ય સરકારના અરજદારોને નકારવાને ગેરવાજબી અથવા મનસ્વી અથવા અન્યાયી માની શકે નહીં કારણ કે તમામ પરિમાણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે કોઈ સંસ્થા આવી નવી સુવિધા ઊભી કરવા સક્ષમ છે કે કેમ તે નક્કી કરતી વખતે શૈક્ષણિક સંસ્થા ચલાવવાનો અનુભવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમયની સાથે અને શહેરીકરણને કારણે, માત્ર પુણેમાં જ નહીં પરંતુ દરેક ઠેકાણે કોલેજો અને શાળાઓની સ્થાપનામાં ભારે વૃદ્ધિ અને સ્પર્ધા થઈ છે. “પરંતુ સમયના પરિવર્તન સાથે તે એક અલગ રંગ લઈ ગયો છે અને તે પરવડે તેમ નથી,” એમ સરકારી નિર્ણયને રદ કરવાનો ઇનકાર કરતી વખતે હાઈ કોર્ટે અવલોકનો કર્યા હતા. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button