લો બોલો! એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા હવે ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની હવાની ગુણવત્તા સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ હવે નવું ગતકડું હાથ ધર્યું છે, જે હેઠળ મુંબઈમાં મોટા પાયા પર ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝુંબેશ માટે હવે પાછી નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવવાની છે અને તે માટે એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવવાનો છે. આ દરમિયાન ગુરુવારે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ફરી એક વખત ૧૦૦ની ઉપર એટલે કે ૧૧૬ નોંધાયો હતો. તો બીકેસીમાં એક્યુઆઈ અત્યંત જોખમી શ્રેણીમાં ૩૧૪ જેટલો ઊંચો નોંધાયો હતો.
મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા સ્વચ્છ મુંબઈ તેમ જ સાર્વજનિક શૌચાલય જેવા જુદા જુદા મુદ્દા પર કમિશનર ઈકબાલસિંહ ચહેલે ગુરુવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
વાતાવરણમાં થતા ફેરફારને કારણે મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અગાઉ ગાઈડલાઈન બહાર પાડી હતી અનેે હવે પાલિકા હવાની ગુણવત્તામાં હજી સુધારો કરવા અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ એટલે કે સંપૂર્ણ મુંબઈને સ્વચ્છ કરવા માટે નવી ગાઈડલાઈન બહાર પાડવાની છે. આ ઝુંબેશને સફળ બનાવવા માટે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવવાનો છે. ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશનો શુભારંભ ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાનના હસ્તે ધારાવી અને ડી વોર્ડમાં થઈ ગયો છે. હવે નવ ડિસેમ્બરથી સંપૂર્ણ મુંબઈમાં આ ઝુંબેશને અમલમાં મૂકવામાં આવવાની છે.
આવતા શનિવારથી અમલમાં મૂકવામાં આવનારી સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત પસંદ કરેલા વોર્ડ અને રસ્તા, ફૂટપાથને ધૂળમુક્ત કરવાની સાથે જ ડિવાઈડર અને પબ્લિક વોલ, કચરાના ડબ્બાઓ સાફ કરવાની સાથે જ બેવારસ વાહનો, ગેરકાયદે હૉર્ડિેગ્સને હટાવવામાં આવવાના છે. સાર્વજનિક શૌચાલયોને સાફ કરવાની સાથેજ ગેરકાયદે અડિંગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવવાની સાથે જ પરિસરને કાટમાળ મુક્ત પણ કરવામાં આવવાના છે.
પાલિકા પોતાની આ ઝુંબેશમાં મુંબઈના તમામ નાગરિકોને પણ જોડવા માગે છે, જેમાં લોકપ્રતિનિધિ, સ્વયંસેવક, સમાજની જાણીતી વ્યક્તિ, ઉદ્યોગપતિ, સિનિયર સિટિઝન, સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થી, સરકારી-બિનસરકારી સંસ્થાઓને પણ જોડવા માગે છે.
તો કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરાશે
‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશમાં સાર્વજનિક શૌચાલયોની સફાઈ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવવાનું છે. તેમ જ સાર્વજનિક શૌચાલયના પુન:બાંધકામનું કામ પણ ઝડપી બનાવવા માગે છે. તેથી સાર્વજનિક પ્રસાધનગૃહ (શૌચાલય)ના પુન:બાંધકામમાં નક્કી કરેલી મુદતમાં નહીં બાંધનારા કૉન્ટ્રેક્ટરોને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો છે.
હવાની ગુણવત્તા સુધરી હોવાનો દાવો ફોક
પાલિકા એક તરફ ૨૭ નિયમો સાથેની ૨૫ ઑક્ટોબરે બહાર પાડેલી ગાઈડલાઈનને અમલમાંં મૂકવાને કારણે હવાની ગુણવત્તા સુધરી હોવાનો દાવો કરી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ વિરોધપક્ષના નેતા રવિ રાજાએ દાવો કર્યો હતો કે ગુરુવારે સવારે દક્ષિણ મુંબઈનો વીઆઈપી વિસ્તાર ગણાતા મલબાર હિલ પરિસરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૮૭ (ખરાબ શ્રેણી) નોંધાયો હતો અને અન્ય વિસ્તારોમાં પણ એક્યુઆઈ ૧૨૦થી ૧૩૦ નોંધાયો હતો. તો પ્રદૂષણ નાથવા રસ્તા પર પાણીનો છંટકાવ કરવાની ઉપાયયોજના ફક્ત નાગરિકોની આંખમાં ધૂળ ફેંકનારી છે. પાણી છાંટવાથી કંઈ થવાનું નથી, તેને બદલે શહેરમાં ચાલી રહેલા ક્ધસ્ટ્રક્શન સાઈટ સામે પગલાં લેવાની માગણી તેમણે કરી હતી.