19 વર્ષથી ફરાર આરોપી સગાંને મળવા આવ્યો અને પોલીસને હાથે ઝડપાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધમકી અને ગંભીર ઇજાના કેસમાં ફરાર આરોપી દિવાળી નિમિત્તે સગાંને મળવા દક્ષિણ મુંબઈમાં આવ્યો અને છેક 19 વર્ષે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો : મીરા રોડમાં બિલ્ડિંગની ટેરેસ પર બાળકીસાથે દુષ્કર્મ: આરોપી યુપીમાં પકડાયો…
એન્ટોપ હિલ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રકાશ અનંત સૂર્વે (57) તરીકે થઈ હતી. 2005માં ગુનો નોંધાયો ત્યારથી સૂર્વે ફરાર હતો અને જહાજ પર ઓળખ બદલીને નોકરી કરતો હતો.
આ પણ વાંચો : અપહરણ કરીને 10 કરોડની માગણી કરાઈ: વિધાનસભ્યના પુત્રનો દાવો
ગંભીર ઇજા પહોંચાડવા સાથે ધમકી આપવાના કેસમાં પોલીસ સૂર્વેને શોધી રહી હતી. કુર્લા કોર્ટે તેની સામે વૉરન્ટ પણ જારી કર્યા હતા. સૂર્વે તે સમયે સાયન પ્રતીક્ષા નગર ખાતેના ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેતો હતો. આ કૅમ્પમાં દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારના ઉમરખાડી પરિસરમાંના રહેવાસીઓ માટે જગ્યા અપાઈ હતી. જોકે બાદમાં રહેવાસીઓ ફરી ઉમરખાડીમાં રહેવા જતા રહ્યા હતા.
આ પણ વાંચો : ફ્લાઈંગ સ્ક્વોડના પાંચ અધિકારી સામે ખંડણી માગવાનો ગુનો
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી ઓળખ બદલીને જહાજ પર નોકરી કરે છે, પણ સમયાંતરે પરિવારના સભ્યોને મળવા આવે છે. દિવાળીમાં સૂર્વે પરિવારને મળવા આવશે, એવી શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસે તેના ઘર પર નજર રાખી હતી, પરંતુ આરોપી ત્યારે આવ્યો નહોતો. આખરે શુક્રવારે સગાંને મળવા આવેલા સૂર્વેને પોલીસે પકડી પાડ્યો હતો.