મૂકેશ અંબાણીને ધમકીભર્યો ઇમેઇલ મોકલનારો ગુજરાત પોલીસના કોન્સ્ટેબલનો પુત્ર
પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાનના નામે ધમકી આપી
મુંબઈ: ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ખંડણી માટે મારી નાખવાની ધમકી આપવા બદલ પકડાયેલો રાજવીર ખાંત ગુજરાત પોલીસના કોન્સ્ટેબલનો પુત્ર હોઇ તેણે પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાનને નામે આઇડી બનાવીને ધમકીભર્યો ઇમેઇલ પાઠવ્યો હતો.
ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે (સીઆઇયુ) અમદાવાદના ગાંધીનગરમાં કલોલથી શનિવારે રાજવીરની ધરપકડ કરી હતી. રાજવીરે ૨૭ ઑક્ટોબરે મૂકેશ અંબાણીને સૌપ્રથમ ઇમેઇલ મોકલીને રૂ. ૨૦ કરોડની ખંડણી માગી હતી અને ખંડણીની રકમ ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી તેણે આપી હતી.
તેણેે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલતી વર્લ્ડ કપની મેચ દરમિયાન ક્રિકેટર શાદાબ ખાનના નામે આઇડી બનાવી હતી. શાદાબ ખાન એ સમયે બેટિંગ કરતો હતો અને તેણે ૪૬ રન ફટકાર્યા હતા. આથી ખાનને જોઇ તેના નામે ધમકી આપવાનો વિચાર આરોપીને આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
રાજવીર કાર્ડ વૅબ પર ભરપૂર સમય વિતાવતો હતો અને બેલ્જિયમમાં મેઇલફેન્સ નામે ઇમેઇલ પ્રદાતા કંપનીના સર્વર અને આ કંપની કોઇ પણ સાથે તેના ઇમેઇલ યુઝર્સની માહિતી શૅર કરતી નથી એવી જાણકારી મેળવી હતી. રાજવીરે પોતાનું લોકેશન છુપાવવા માટે વીપીએન નેટવર્કનો ઉપયોગ કર્યો હતો.
રાજવીરે ઇમેઇલ થકી ધમકી મોકલી તે દિવસે દેશભરમાંથી ૧૫૦ લોકોએ મેઇલફેન્સ પરથી ધમકી મોકલી હતી, એવું તપાસમાં બહાર આવ્યું હતું. આ બધા યુઝર્સની તપાસ કરાઇ અને અંબાણીને મોકલવામાં આવેલો ઇમેઇલ કલોલથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બીકોમના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી રાજવીરે અંબાણીને ધમકીના પાંચ ઇમેઇલ મોકલ્યા હતા. પ્રથમ તેણે રૂ. ૨૦ કરોડ, બાદમાં રૂ. ૨૦૦ કરોડ અને પછી રૂ. ૪૦૦ કરોડની ખંડણી માગી હતી. બીજો આરોપી ગણેશ વનપારધી કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. તેની તેલંગણાથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે અંબાણીને મેઇલ કરીને રૂ. ૫૦૦ કરોડની ખંડણી માટે ધમકી આપી હતી.