આમચી મુંબઈ

પરભણી હિંસા બાદ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામેલા સોમનાથ સૂર્યવંશીની હત્યા દલિત હોવાથી કરવામાં આવી: રાહુલ ગાંધી…

પરભણી: મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણની પ્રતિકૃતિના અપમાન બાદ થયેલી હિંસા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે એવો દાવો કર્યો હતો કે, સોમનાથ સૂર્યવંશીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેઓ દલિત હતા અને બંધારણનું રક્ષણ કરી રહ્યા હતા.

The Week

આ પણ વાંચો : રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળ્યા…

પોલીસે સૂર્યવંશીને મારી નાખ્યો હતો, અને તે ‘શતપ્રતિશત કસ્ટડીમાં મૃત્યુ’ હતું,’ એમ લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ પરભણીમાં સૂર્યવંશીના પરિવારના સભ્યોને મળ્યા બાદ આરોપ લગાવ્યો હતો.

ગાંધીએ કહ્યું કે તેઓ સૂર્યવંશીના પરિવારના સભ્યોને મળ્યા હતા જેમણે તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો બતાવ્યા હતા.

દસ ડિસેમ્બરની સાંજે મરાઠવાડામાં આવેલા પરભણી શહેરના રેલવે સ્ટેશનની બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાચની પેટીમાં રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિ તોડવામાં આવ્યા બાદ પરભણીમાં હિંસા જોવા મળી હતી.

પરભણીના શંકર નગરના રહેવાસી સૂર્યવંશી (35) હિંસાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 50 થી વધુ વ્યક્તિઓમાં સામેલ હતા.
પોલીસના જણાવ્યા મુજબ, ન્યાયિક કસ્ટડીમાં હતા અને પરભણી જિલ્લા કેન્દ્રીય જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ કર્યા બાદ 15 ડિસેમ્બરના રોજ તેમનું રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરભણી હિંસાની ન્યાયિક તપાસના આદેશ આ પહેલાં જ આપ્યા છે.

ફડણવીસે તાજેતરમાં રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે સૂર્યવંશીએ મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો નથી અને સીસીટીવી ફૂટેજમાં પણ ક્રૂરતાના કોઈ પુરાવા દેખાતા નથી.

સૂર્યવંશીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે, ‘યુવાનની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે દલિત હતો અને બંધારણનું રક્ષણ કરી રહ્યો હતો. આ એકસો એક ટકા કસ્ટડીમાં નિપજાવવામાં આવેલું મૃત્યુ છે.

પોલીસે તેની હત્યા કરી છે.’ ‘મુખ્ય પ્રધાન પોલીસને બચાવવા માટે વિધાનસભામાં ખોટું બોલ્યા હતા. આરએસએસની વિચારધારા બંધારણનો નાશ કરવાની છે, એવો આરોપ કોંગ્રેસના નેતાએ લગાવ્યો હતો.

ગાંધીએ એવી માગણી કરી હતી કે આ મામલો ઉકેલાય અને જેમણે આ માણસની હત્યા કરી તેમને સજા મળે.
‘આ રાજકારણ નથી, હત્યા થઈ છે અને કાર્યવાહી થવી જ જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

પરભણીની ઘટના માટે કોણ જવાબદાર છે તે પૂછતાં ગાંધીએ કહ્યું, ‘આ માટે વિચારધારા જવાબદાર છે અને મુખ્ય પ્રધાને બધાને બચાવ્યા હોવાથી તેઓ પણ જવાબદાર છે.’

બાદમાં, ગાંધી વિજય વાકોડેના પરિવારને પણ મળ્યા હતા, જેની હિંસા બાદ પરભણીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું

અગાઉ ગાંધી દિલ્હીથી નાંદેડ એરપોર્ટ પર પહોંચ્યા અને રોડ માર્ગે પરભણી ગયા. તેમની સાથે મહારાષ્ટ્ર માટે એઆઈસીસીના પ્રભારી રમેશ ચેન્નીથલા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે અને અન્ય નેતાઓ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button