મરાઠા અનામત આંદોલનની આડમાં કેટલાક લોકો હિંસા કરી રહ્યા છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે રાજ્યમાં ચાલી રહેલું આંદોલન સોમવારે ભારે હિંસક બન્યું હતું. બીડના એનસીપીના વિધાનસભ્યોના ઘરને આગ ચાંપવામાં આવી હતી, જ્યારે બીડના એનસીપીના કાર્યાલયમાં તોડફોડ અને પથ્થરમારો થયો હતો. આ બધા પર પ્રતિક્રિયા આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ ખાતાના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હિંસા કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. મરાઠા અનામત માટે અમે સકારાત્મક છીએ, પરંતુ હિંસા કરનારા લોકોને માફ કરવામાં આવશે નહીં.
મરાઠા અનામત માટે જે આંદોલન ચાલી રહ્યું છે તે અંગે રાજ્ય સરકારે સકારાત્મક પગલાં લીધા છે. મુખ્ય પ્રધાને અનામત આપવાનું વચન આપ્યું છે. આ બધાની વચ્ચે આંદોલનની આડમાં કેટલાક લોકો હિંસાચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં શાંતીથી આંદોલન થઈ રહ્યું છે ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ હિંસાને માટે કોઈ સ્થાન નથી. જેમણે હિંસા કરી છે તેમને કોઈ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. હિંસાને કોઈ માફી નથી. આવશ્યકતા મુજબ વધારાની કુમક મંગાવવામાં આવી છે. જ્યાં સુધી શાંતી પ્રસ્થાપિત નહીં થાય ત્યાં સુધી પોલીસ કાર્યવાહી કરશે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક પક્ષના કાર્યકર્તાઓ તેમ જ નેતાઓ પણ આ હિંસામાં સહભાગી થયા હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે પુરાવા મળ્યા બાદ તેની માહિતી જાહેર કરવામાં આવશે. કેટલાક લોકો જાણી જોઈને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકો સામે અમે કાર્યવાહી કરીશું. કેટલાક લોકો ફેસબૂક કે સોશ્યલ મીડિયાના માધ્યમથી ધમકી આપી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે,એમ પણ ફડણવીસે કહ્યું હતું.