કેટલાક લોકોએ ફક્ત ખેડૂતોના નામે રાજકારણ જ કર્યું છે: વડા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શિરડીમાં આવ્યા હતા ત્યારે તેમણે એનસીપીના સ્થાપક સિનિયર પવારનું નામ લીધા વગર તેમની આકરી ટીકા કરતાં એમ કહ્યું હતું કે કેટલાક લોકો ફક્ત ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે એ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું હતું કે ખેડૂતોને હવે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)ના નાણાં સીધા તેમના બેંક ખાતામાં મળી રહ્યા છે. તેમણે શિરડીમાં કેટલાક વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં કેટલાક લોકો ફક્ત ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યા છે. રાજ્યના એક સિનિયર નેતા દેશના કૃષિ પ્રધાન રહી ચૂક્યા છે. હું અંગત રીતે તેમનું ઘણું સન્માન કરું છું, પરંતુ તેમણે ખેડૂતો માટે શું કર્યું? એમ મોદીએ પૂછ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે સામાજિત ન્યાય એટલે ગરીબીમાંથી મુક્તિ અને જ્યારે દેશના ગરીબોને જીવનમાં વિકાસની અનેક તકો ઉપલબ્ધ થાય છે.
એનસીપીના સ્થાપક શરદ પવાર કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના (૨૦૦૪-૧૪) કાર્યકાળમાં કૃષિ પ્રધાન હતા. આ બાબતનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે જ્યારે તેઓ કેન્દ્રીય કૃષિ પ્રધાન હતા ત્યારે ખેડૂતોને દલાલોની રહેમ પર જીવવું પડતું હતું. મહિનાઓ સુધી ખેડૂતોને પૈસાની રાહ જોવી પડતી હતી. અમારી સરકારે એમએસપી સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની શરૂઆત કરી હતી.
મોદીએ લોકાર્પણ કરેલો નિલવંડે પ્રોજેક્ટ શું છે?
અહમદનગર જિલ્લાના આકોલે તાલુકાના નિલવંડે (ઉર્ધ્વ પ્રવરા પ્રોજેક્ટ) બંધ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત અને ઓછા વરસાદના વિસ્તારો માટે સુજલામ્ સુફલામ્ કરનારો પ્રોજેક્ટ બની રહેવાનો છે. ડાબી અને જમણી, ઉચ્ચ સ્તરીય પાઈપ નહેર તેમ જ ઉપસા સિંચાઈ યોજનાના માધ્યમથી આકોલે, સંગમનેર, રાહતા, શ્રીરામપુર, કોપરગાવ અને સિન્નર (નાશિક) તાલુકાના ૧૮૨ ગામની ૬૮,૮૭૮ હેક્ટર (૧,૭૦,૨૦૦ એકર) ખેતજમીન સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. સિન્નરના છ ગામની ૨૬૧૨ હેક્ટર જમીનને બાદ કરતાં અહમદનગર જિલ્લાની ૬૬,૨૬૬ હેક્ટર ખેતજમીન સિંચાઈ હેઠળ આવરી લેવાશે.
મોદીના હાથમાં પારસમણિ સ્પર્શ : મુખ્ય પ્રધાન
અહમદનગર: ઉત્તર નગર જિલ્લામાં વરદાન સાબિત થનાર નિળવંડે બંધ તેમજ અન્ય વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિરડીના પ્રવાસે આવ્યા હતા. આ નિમિત્તે ખેડૂતોના એક મેળાવડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાવડામાં બોલતી વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રશંસાના પુષ્પો વેર્યા હતા. શ્રી શિંદેએ જણાવ્યું કે ’ગયા વર્ષે સરકારની સ્થાપના થયા પછી એક વર્ષમાં વડા પ્રધાન છ વખત મહારાષ્ટ્રમાં આવ્યા છે. મેં જ્યારે પણ આમંત્રણ આપ્યું છે એનો તેમણે સ્વીકાર કર્યો છે. આ તેમની મોટાઈ છે. એમની પહેલને કારણે અત્યાર સુધીમાં બે લાખ કરોડના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ થઈ ગયું છે. આજે પણ ૧૪ હજાર કરોડ કરતાં વધારે કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે નિળવંડે બંધનો ઈતિહાસ બધા જાણે છે. દેવેન્દ્રજીએ જણાવ્યું કે તેમનો જન્મ થયો એ પહેલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વચ્ચે શું થયું એમાં પડવાની ઈચ્છા નથી. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આ પ્રોજેક્ટના કામને ગતિ મળી હતી. આ પ્રોજેક્ટને કારણે ૬૮ હજાર હેકટર જમીન બાગાયતી બનશે. છેલ્લા વર્ષ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો તમારી નજર સમક્ષ છે. અનેક મહત્ત્વના પ્રોજેક્ટોને મંજૂરી મેળવી પૂરા કરવામાં આવી રહ્યા છે. લાખો હેકટર જમીનને બાગાયતી કરવાનું કામ સરકાર કરી રહી છે. વડા પ્રધાન મોદીના હાથ જે કામને સ્પર્શે છે, જેનું ભૂમિપૂજન તેઓ કરે છે એ કામ વાયુવેગે આગળ વધી પૂર્ણ થાય છે એવો અનુભવ છે. તેમના હાથમાં પારસમણિ સ્પર્શ છે. હાથ લગાડે એ સોનું બની જાય છે અને એટલે જ અમે તેમને વારંવાર બોલાવીએ છીએ.