સોલાપુરમાં ગૅસ કટરથી એટીએમ કાપ્યા પછી 23 લાખની લૂંટ, એટીએમ સેન્ટરનો એલાર્મ વાગ્યા છતાં કોઈ દરકાર ન કરી
મુંબઈ: સોલાપુરમાં ગૅસ કટરથી એટીએમ કાપ્યા પછી લૂંટારા 23 લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં લૂંટની ઘટના રેકોર્ડ ન થાય તે માટે લૂંટારાઓએ કૅમેરા પર સ્પે છાંટ્યો હતો તો એલાર્મ વાગ્યા છતાં રાહદારીઓએ સતર્કતા ન દાખવી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
બાર્શી શહેર પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ બની હતી. સોલાપુરના પરાંદા રોડ પર આવેલી રાષ્ટ્રીયકૃત બૅન્કની શાખાનું શટર તોડી લૂંટારા એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે લૂંટારાઓ પોતાની ઓળખ છતી ન થઈ જાય તે માટે એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા પછી સીસીટીવી કૅમેરા પર કોઈ પ્રવાહી સ્પ્રે કર્યું હતું. બાદમાં ગૅસ કટરની મદદથી મશીનનું કૅશ બૉક્સ કાપી તેમાંથી 23 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : મુંબઈની કોર્ટે ગૂગલને લગાવી ફટકાર, યુટ્યુબ પરથી વિડીયો દૂર નહિ કરતા Sundar Pichaiને નોટિસ
પોલીસના કહેવા મુજબ લૂંટારા એટીએમ કાપી રહ્યા હતા ત્યારે એલાર્મ વાગ્યો હતો, પરંતુ આસપાસમાંથી પસાર થનારી કોઈ વ્યક્તિએ તેને ગંભીરતાથી લીધો નહોતો. આ પ્રકરણે બાર્શી શહેર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)