સોફ્ટવેર એન્જિનિયરના પરિવાર સાથે 5.14 કરોડનું સાયબર ફ્રોડ: બે પકડાયા
મુંબઈ: ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં રોકાણને નામે સોફ્ટવેર એન્જિનિયર અને તેના પરિવારના સભ્યો સાથે 5.14 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી પ્રકરણે પોલીસે ટ્યૂશન શિક્ષક સહિત બે જણની ધરપકડ કરી હતી. પકડાયેલા બન્ને આરોપીની ઓળખ હમપ્રીતસિંહ રંધવા (34) અને વિમલપ્રકાશ ગુપ્તા (45) તરીકે થઈ હતી. આરોપી ગુપ્તા ટ્યૂશન ટીચર છે તો રંધવા સિક્યોરિટી ગાર્ડ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગુનામાં આર્થિક વ્યવહાર માટે આરોપીઓનાં બૅન્ક ખાતાંનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં જણાયું હતું.
અંધેરીના સાકીનાકા પરિસરમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયરે આ પ્રકરણે એપ્રિલમાં ક્રાઈમ બ્રાન્ચની સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે જાન્યુઆરીમાં ફરિયાદીને ઑનલાઈન શૅર ટ્રેડર્સના વ્હૉટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ શૅર ટ્રેડિંગમાં રોકાણ કરવામાં રસ દાખવતાં તેને ફોન કૉલ આવ્યો હતો અને ટ્રેનિંગ અંગે જાણ કરાઈ હતી.
Read more: NEET EXAM : CBI તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આ તારીખે થશે આગળની સુનાવણી
આરોપીની સૂચનાને અનુસરી ફરિયાદીએ મોબાઈલમાં એક ઍપ્લિકેશન ડાઉનલૉડ કરી હતી અને વર્ચ્યુઅલ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ફરિયાદીએ નાણાં રોકવાનું શરૂ કરતાં તેને નફો થતો હોવાનું દર્શાવાયું હતું. પરિણામે ફરિયાદીના પરિવારના સભ્યોએ પણ આર્થિક રોકાણ કર્યું હતું. બે મહિનામાં વિવિધ બૅન્ક ખાતાઓમાં 5.14 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
Read more: G-7 મીટિંગમાં ભટકી ગયા જો બાઇડન, ઇટાલિયન પીએમે માર્ગદર્શન કર્યું
શૅર ટ્રેડિંગમાં ફરિયાદીએ ઘણો નફો કર્યો હોવાનું જણાવી તેના વર્ચ્યુઅલ એકાઉન્ટમાં 87.85 કરોડ રૂપિયા હોવાનું દર્શાવાયું હતું. જોકે એ નાણાં ફરિયાદી કઢાવી શકતો નહોતો. પોતે છેતરાયો હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદીએ જે બૅન્ક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી એક વિરારમાં રહેતા રંધાવાના નામે હતું. પોલીસે રંધાવાને તાબામાં લઈ પૂછપરછ કરતાં ટ્યૂશન શિક્ષક ગુપ્તાએ બૅન્ક ખાતું ખોલાવડાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગુપ્તાને ગોરેગામથી પકડી પાડવામાં આવ્યો હતો. ટેલિગ્રામ ઍપ પર ગુપ્તા સાયબર ઠગોના સંપર્કમાં આવ્યો હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. (PTI)