કારના બોનેટ પર લટકેલો સોસાયટીનો ચૅરમૅન અમુક અંતર સુધી ઘસડાયો
થાણે: કારના બોનેટ પર લટકેલા હાઉસિંગ સોસાયટીના ચૅરમૅનને અમુક અંતર સુધી ઘસડવામાં આવ્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં બનતાં પોલીસે કાર ચલાવી રહેલા લિફ્ટના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શિળફાટા પરિસરના પાડલે ગાંવ ખાતેની એક સોસાયટીમાં બની હતી. આ પ્રકરણે ફરિયાદને આધારે પોલીસે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 125(એ)(3) તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ બિલ્ડિંગની લિફ્ટ બરાબર કામ કરતી ન હોવાથી આરોપી લિફ્ટ કોન્ટ્રાક્ટર અને સોસાયટીના ચૅરમૅન વચ્ચે મીટિંગ થઈ હતી. ગુસ્સામાં આરોપી ચાલુ મીટિંગે જ ઊભો થઈને ચાલવા માંડ્યો હતો.
આ પણ વાંચો : થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
કહેવાય છે કે ફરિયાદીએ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ કારમાં બેસી કાર સ્ટાર્ટ કરતાં ફરિયાદી કારના બોનેટ સાથે લટકી ગયો હતો. આરોપીએ કાર રોકવાને બદલે થોડે અંતર સુધી ચલાવી હતી, જેને કારણે ફરિયાદી ઘસડાયો હતો અને પછી રસ્તા પર પટકાયો હતો. આ ઘટનામાં ફરિયાદીને ઇજા થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. (પીટીઆઈ)