સ્માર્ટફોનના બૉક્સમાંથી નીકળ્યા સાબુ
થાણે: ભાયંદરના યુવકે ઑનલાઈન શૉપિંગ પ્લૅટફોર્મ પર ૪૬ હજાર રૂપિયાના સ્માર્ટફોનનો ઑર્ડર આપ્યો હતો, પણ તેના ઘરે પહોંચેલા મોબાઈલના બૉક્સમાંથી ત્રણ સાબુ નીકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભાયંદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફોનની ડિલિવરી વખતે માર્ગમાં જ કોઈએ પાર્સલ સાથે ચેડાં કરી પચીસ વર્ષના યુવક સાથે છેતરપિંડી કરી હોવાનું જણાય છે.ફરિયાદ અનુસાર યુવકે ઑનલાઈન શૉપિંગ પોર્ટલ પર આઈફોનનો ઑર્ડર આપ્યો હતો, જેની કિંમત ૪૬ હજાર રૂપિયા હતી. ૯ નવેમ્બરે યુવકને મોબાઈલ ફોનનું પાર્સલ મળ્યું હતું. પાર્સલમાંના મોબાઈલ ફોનનું બૉક્સ ખોલતાં તેમાંથી વાસણ માંજવાના ત્રણ સાબુ નીકળ્યા હતા.એક દુકાનમાં કામ કરતા યુવકે આ મામલે શનિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)