તો થઈ શકે મુંબઈમાં બાલાસોર જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન…

મુંબઈ: ઓડિશાના બાલાસોરમાં બનેલી ટ્રિપલ ટ્રેન દુર્ઘટના બાદ ભારતીય રેલવે પ્રશાસન ટ્રેનોની સુરક્ષાને લઈને એલર્ટ થઈ ગયું છે. ઓડિશા જેવી દુર્ઘટના મુંબઈમાં બની શકે છે, કારણ કે એકલા મુંબઈમાં લોકલ ટ્રેનો ચલાવતા મોટરમેનને અંદાજે 400 જેટલા સિગ્નલની સ્થિતિને ધ્યાનમાં રાખવી પડે છે. આ દરેક સિગ્નલ અલગ અલગ દિશા(ડાબી અથવા જમણી દિશા)માં રાખવામાં આવેલા છે, પણ એ જોખમી છે. દરેક વખતે સિગ્નલની પોઝિશન પર્ફેક્ટ ધ્યાન રાખવી પડે છે, તેથી આ મુદ્દે સિગ્નલની પોઝિશન બદલવા અંગે રેલવે બોર્ડ દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે મુશ્કેલીના એંધાણ સૂચવે છે.
તાજેતરના એક બનાવની વાત કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના થતાં રોકાઈ ગઈ હતી. સીએસએમટી નજીક લાગેલા સિગ્નલને ક્રોસ કરી ટ્રેન સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ત્રણ તરફ આગળ વધી હતી, પણ ટ્રેનમાં લાગેલા એડબલ્યુએસ સિસ્ટમને લીધે ટ્રેન રોકી દેવામાં આવી હતી. સિગ્નલ ક્રોસને લઈને આગળ તપાસમાં સામે આવ્યું કે ટ્રેનના મોટરમેને બીજી તરફ લાગેલા સિગ્નલને જોતાં આ ઘટના બની હતી. ત્રણ નંબરના પ્લેટફોર્મ રોકવામાં આવેલી ટ્રેન ઉપડવાની તૈયારી હતી, પરંતુ જો એક-બે સેકન્ડમાં વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના નિર્માણ થઈ હોત.
2023માં જૂન માહિનામાં હાવડામાં બનેલી ટ્રેન દુર્ઘટના બાદ રેલવે બોર્ડ દ્વારા ચાર સભ્યવાળી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિમાં ભારતીય રેલવેની સુરક્ષાને લઈને નિર્ણયો લેવામાં આવે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે સિગ્નલના સ્થાન બદલવાને લઈને મુંબઈ ડિવિઝનમાં થાણેથી અભિયાન ચલાવવામાં આવ્યું હતું પણ ત્યાર પછી આ બાબતે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં કુલ 750 સિગ્નલ છે જેમાથી 389 સિગ્નલની પોઝિશનમાં ગડબડ છે. રેલવે ટ્રેક નજીક લગાડવામાં આવેલા દરેક સિગ્નલની પોઝિશનને મોટરમેનને યાદ રાખવાના રહે છે અને આ સિગ્નલની પોઝિશન જુદી જુદી જગ્યાએ હોવાથી ભૂલ થવી સ્વાભાવિક છે. મોટરમેન દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ થતાં તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે પણ સિગ્નલની પોઝિશનમાં કોઈપણ ફેરફાર કરવામાં આવતો નથી, એમ એક વરિષ્ઠ મોટરમેને જણાવ્યું હતું. રેલવે પ્રશાસનની આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોને માત્ર કાગળ પર રાખવામા આવી રહ્યા છે.