…. તો દક્ષિણ મુંબઈની સૌથી જૂની માર્કેટને ખસેડવાની ફરજ પડશે, જાણો છો શું છે કારણ?
મુંબઇ: ભાયખલામાં આવેલ બ્રિટિશકાલીન રેલવે ફ્લાયઓવરને નજીકનો નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ મહારાષ્ટ્ર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (મહારેલ) અને મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજના બાંધકામમાં વચ્ચે આવનાર સંત ગાડગે મહારાજ શાકભાજી માર્કેટમાં આવેલ ફળ બજાર હટાવવાનો નિર્ણય મુંબઇ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.
ભાયખલા પૂર્વ-પશ્ચિમને જોડનારા રેલવે ઓવરબ્રિજને 18 વર્ષ પૂરાં થઇ ગયા હોવાને કારણે હવે તે જોખમી થઇ ગયો છે, તેથી તેની નજીક નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. નવો પુલ અવરજવર માટે ખુલ્લો મૂકાયા બાદ જૂના પુલનું સમારકામ હાથ ધરાશે. શહેરના બ્રિટિશકાલીન પુલના સમારકામ માટે મુંબઇ મહાનગરપાલિકા અને મહારેલ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.
ભાયખલાનું શાકભાજી માર્કેટ 8,309 ચોકસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ માર્કેટમાં કુલ 533 લાઈસન્સ હોલ્ડર વેચાણકર્તાઓ છે. કુલ છ લાઇન છે, જેમાંથી સી અને એફ લાઇનમાં ફળો વેચાય છે. ફળ વેચનારાઓની સંખ્યા 140 છે, જેમાંથી 40 ફળ વેચનારાઓનું સ્થળાંતર થઇ ગયું છે. સ્થળાંતર કરવામાં આવેલ ફળ વેચનારાઓને હાલમાં માર્ટેકમાં જ અન્ય સ્થળે જગ્યા આપવામાં આવી છે. બ્રિજની જરુરિયાત મુજબ ધીરે ધીરે ફળ વેચનારાઓનું સ્થળાંતર કરવામાં આવશે, એમ મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
ફળ વેચાનારઓને 50-60 ચોરસ ફૂટની જગ્યામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ જગ્યા વેપાર માટે ખૂબ જ ઓછી છે. તેથી ફળ વેચનારાઓએ ભાયખલામાં જ આવેલ રાણીબાગ સામેના મેહેર બજારમાં જગ્યા માંગી છે. આ બાબતે ફળ વેચનારાઓ અને મહાપાલિકા વચ્ચે બેઠકો ચાલી રહી છે.