સ્નિફર ડોગ્સનાં નસીબ ઉઘડ્યાં લોકસભાની ચૂંટણીમાં ડ્યૂટી કરવા માટે એસી ટ્રેનમાં કરશે પ્રવાસ
મુંબઈ: લોકસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે અને એવું કહેવાઈ રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આચારસંહિતા અમલમાં આવી જશે. ચૂંટણીને કારણે મુંબઈના સ્નિફર ડોગ્સના કામના બોજામાં પણ વધારો થઇ શકે એમ છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ શહેરમાં ગરમીનો પારો ઊંચે રહેતો હોવાથી આ સ્નિફર ડોગ્સને એસી ટ્રેનમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.
ચૂંટણી દરમિયાન પ્રચાર માટે તમામ મોટા રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય છે. આને કારણે ભીડ વધી જતી હોય છે. પ્રચારસ્થળે કોઇ વિસ્ફોટક ન રાખવામાં આવ્યા હોય એની શોધખોળ સ્નિફર ડોગ્સ જ કરી શકે છે. આ કામ અમુક અમુક કલાકે કરવું પડતું હોય છે. આ માટે ડોગ્સ પર કામનું પ્રેસર વધી જતું હોય છે, એવું અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
કોઇ એક સ્નિફર ડોગને ત્રણ કલાક કામ કરાવ્યા બાદ ચાર કલાકનો આરામ આપવો પડતો હોય છે અને ત્યાર પછી પાછા તેને એ સ્થળે લઇ જવામાં આવતા હોય છે અને પાછો તેને આરામ આપવામાં આવતો હોય છે. જોકે ચૂંટણી સમયે આરામ કરવાના સમયે પણ કામ કરવું પડતું હોય છે. આમ પણ આચારસંહિતા અમલમાં મુકાશે એ સમયે શહેરમાં ગરમીનો પારો વધી ગયો હશે, એટલે આવા ડોગ્સને એસી ટ્રેનમાં મુસાફરી કરાવવી જરૂરી બની રહે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.