થાણે સિવિલ હોસ્પિટલમાં દર્દીની બેગમાંથી સાપ નીકળ્યો: પરિસરમાં અફરાતફરી

મુંબઈઃ તમે જંગલમાં જાઓ તો તમને સાપ જોવા મળી શકે છે, પણ હોસ્પિટલમાં સાપ જોવા મળે તો? આવું જ કંઈક મહારાષ્ટ્રના થાણેમાં બન્યું છે. આજે થાણેમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાંની સિવિલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં એક દર્દીની બેગમાંથી અચાનક સાપ નીકળતાં દર્દીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. પાછળથી ખબર પડી કે આ સાપ એક 19 વર્ષીય યુવક લાવ્યો હતો જેને સાપ પકડવાનો જબરો શોખ હતો. સાપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મીડિયાના અહેવાલો અનુસાર થાણેના રહેવાસી 19 વર્ષીય ઓમકાર રાઠોડે એક તળાવ પાસે રમતી વખતે એક બિન-ઝેરી સાપ જોયો હતો. પોતાના અનુભવના આધારે તેણે તેને પકડી લીધો. સાપ સાથે રમતી વખતે સાપે તેના હાથ પર ડંખ માર્યો. ત્યાર બાદ ઓમકાર સાપને લઈને સીધો થાણે સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. ડોક્ટરોએ તેની તપાસ કરી હતી, પરંતુ ઓમકારે સાપને છોડવાનો ઇનકાર કર્યો હતો.
અહેવાલો અનુસાર ઓમકારે સાપને એક થેલીમાં ભરીને મહિલા વોર્ડમાં મૂક્યો. થોડીવારમાં જ, સાપ થેલીમાંથી નીકળીને પલંગ, ટેબલ અને દર્દીઓની નીચેથી સરકતો વોર્ડમાં ફરવા લાગ્યો. ગભરાયેલી સ્ત્રીઓને ખબર નહોતી પડતી કે પથારીમાંથી કૂદી પડવું, દોડવું કે હાથમાં સલાઈન લઈને ઊભા રહેવું જોઈએ. કેટલીક મહિલાઓ ખુરશીઓ પર ચઢી ગઈ, સ્ટાફ પણ ડરીને દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ચીસો સાંભળીને ઓમકાર વોર્ડમાં પાછો ફર્યો અને સાપને પકડી લીધો. ત્યારબાદ હોસ્પિટલે સાપ બચાવ ટીમને બોલાવી, જેમણે પુષ્ટિ કરી કે સાપ બિનઝેરી (ધમણ) હતો ત્યાર બાદ સાપને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો.
થાણે સિવિલના સર્જન ડૉ. કૈલાશ પવારે જણાવ્યું હતું કે અમે છોકરાની સારવાર કરી, પરંતુ તેની બેદરકારીને કારણે સાપ બહાર આવી ગયો. સદનસીબે સાપ ઝેરી નહીં હોવાથી કોઈને નુકસાન ન થયું, પરંતુ હોસ્પિટલમાં સાપ લાવવો અત્યંત જોખમી છે.” હોસ્પિટલ વહીવટીતંત્રે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે, અને યુવાન સામે તેની બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે અને સાપને સુરક્ષિત રીતે તેના કુદરતી સ્થાન પર છોડી દેવામાં આવ્યો છે.
આપણ વાંચો: હવે ફ્લાયઓવરની જવાબદારી મહાપાલિકાના માથે સાત દિવસમાં એસએસઆરડીસી પાસેથી હસ્તાંતરણ



