ટમેટાની આડમાં કાંદાની તસ્કરી: 82.93 મેટ્રીક ટન કાંદા મોકલવામાં આવી રહ્યા હતા
નાગપુર: સોનાની દાણચોરી, માનવ તસ્કરી આ બધું તો આપણે સાંભળેલું છે, પણ હવે કાંદાની પણ તસ્કરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં કસ્ટમ્સ વિભાગે મોટા પ્રમાણમાં કાંદાની થઇ રહેલી તસ્કરી પકડી પાડી હતી. કસ્ટમ્સ વિભાગે 82.93 મેટ્રીક ટન ગેરકાયદે રીતે વિદેશ મોકલવાની તૈયારી થઇ રહી હતી ત્યાં છાપો મારીને કાંદા જપ્ત કર્યા હતા.
કસ્ટમ્સના અધિકારીઓએ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે ભારત સરકારે કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જપ્ત કરવામાં આવેલા કાંદા ગેરકાયદે નિકાસ કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ કાર્યવાહી નાગપુરના કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના કાંદાની વિદેશમાં ભારે માગ છે અને એવામાં ભારત સરકારે કાંદાની નિકાસ ઉપર રોક લગાવી દીધી છે, જેને પગલે કાંદા ગેરકાયદે વિદેશ મોકલવાના પ્રયાસો શરૂ થયા છે.
મળેલી માહિતી મુજબ, ટમેટાની ટોપલીઓમાં છૂપાવીને કાંદા વિદેશ મોકલવામાં આવી રહ્યા હતા તેની જાણકારી કસ્ટમ્સ વિભાગને મળી હતી. કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધી કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે અનેક દેશોમા કાંદાના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કાંદા યુએઈ(યુનાઇટેડ આરબ એમિરેટ્સ) મોકલવાના પ્રયાસ થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સના અધિકારીઓએ ટમેટાથી ભરેલા બે કંટેનર જપ્ત કર્યા હતા, જેમાં સેંકડો બોક્સ ભરીને કાંદા ભરવામાં આવ્યા હતા.