આમચી મુંબઈ

મુંબઇ એરપોર્ટ પર દાણચોરીનો નવ કરોડનોગાંજો પકડાયો: ચેન્નઇના યુવકની ધરપકડ

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) દાણચોરીનો નવ કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો પકડી પાડીને ચેન્નઇના યુવકની ધરપકડ કરી હતી.
એઆઇયુના અધિકારીઓએ રવિવારે ધરપકડ કરેલા યુવકની ઓળખ રમીઝ અહમદ ખાન તરીકે થઇ હતી. રમીઝ ખાનને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. રમીઝના વકીલ તરીકે અરુણ ગુપ્તા કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી. કોર્ટે બાદમાં રમીઝને જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.

રમીઝ શનિવારે બેંગકોકથી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. રમીઝ ટી-2 ખાતે અરાઇવલ હોલમાં આવતાં એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે તેને આંતર્યો હતો. રમીઝની તલાશી લેવાતાં કશું જ મળ્યું નહોતું. આથી તેની ટ્રોલી બેગની તલાશી લેવાતાં કપડાં, ચોકલેટ્સ અને ફૂડ પેકેટ્સ મળ્યાં હતાં. કપડાંમાંથી આઠ એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ્સ નીકળ્યાં હતાં. આખી ટ્રોલી બેગ ખાલી કરાવવામાં આવ્યા છતાં તેનું વજન ભારે હોવાથી તેને તોડવામાં આવી હતી અને તેમાંથી વધુ આઠ એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ્સ મળ્યાં હતાં.

કુલ 12 એરટાઇલ પ્લાસ્ટિક પેકેટ્સ ખોલવામાં આવતાં તેમાંથી 8895.00 ગ્રામ હાઇડ્રો ગાંજો મળી આવ્યો હતો. આથી રમીઝ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. રમીઝને બેંગકોકમાં ગાંજો કોણે આપ્યો હતો અને તે ભારતમાં લાવીને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાંચો:  મુંબઈમાં 10 મહિનામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના 142 કેસઃ રુ. 114 કરોડની છેતરપિંડી…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button