પનવેલમાં પત્નીને જીવતી સળગાવવાના કેસમાં ફરાર પતિની 33 વર્ષે ધરપકડ

થાણે: નવી મુંબઈમાં કેરોસીન રેડી પત્નીને જીવતી સળગાવવાના કેસમાં ફરાર પતિને પોલીસે છેક 33 વર્ષે મુંબઈના મુલુંડ પરિસરમાંથી પકડી પાડ્યો હતો.
પનવેલ શહેર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું કે આરોપી બાબુ ગુડગીરામ કાળે (70)ને રવિવારે મુલુંડ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. કાળે મુલુંડમાં મજૂર તરીકે કામ કરતો અને ફૂલો વેચતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 28 જાન્યુઆરી, 1991માં બની હતી. ઘરેલુ વિવાદમાં કાળેનો પત્ની સાથે વારંવાર ઝઘડો થતો હતો. રોષમાં આવી કાળેએ નવી મુંબઈના પનવેલ ખાતેના ઘરમાં પત્ની પર કથિત રીતે કેરોસીની રેડી આગ ચાંપી હતી. ગંભીર રીતે દાઝેલી પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : નવી મુંબઈ-થાણે ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશી પકડાયા…
તે સમયે કાળે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરાર કાળે વિરુદ્ધ કોર્ટે અરેસ્ટ વૉરન્ટ જારી કર્યા હતા. પોલીસ કાળેની શોધ ચલાવી રહી હતી, પરંતુ ત્રણ દસકાથી તે સંતાતો ફરતો હતો.
કાળે મુલુંડ પરિસરમાં નજરે પડ્યો હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. કાળેના મોબાઈલ ફોન ડેટા અને સર્વેલન્સને આધારે પોલીસની ટીમ તેની પાછળ પરભણી સુધી પહોંચી હતી. જોકે બાદમાં ફરી મુંબઈ પહોંચેલી ટીમે મુલુંડથી તેને પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા કાળેને કોર્ટે 3 જાન્યુઆરી, 2025 સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)