થાણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટાયરમાં ધુમાડો: ૧૩ પ્રવાસીઓને બચાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લામાં વહેલી સવારના સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઈલેક્ટ્રિક બસના એક ટાયરમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ધોરણે બસમાં સવાર રહેલા ૧૩ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ સવારના ૯.૫૦ વાગ્યાની આસપાસ થાણેમાં ખોપટ ડેપો અને કેડબરી જંકશન પાસે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઈલેક્ટ્રિક શિવશાહી બસ પસાર થઈ રહી હતી ત્યારે બસના એક ટાયરમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

આ બસ બોરીવલીથી નાશિક જઈ રહી હતી અને તેમાં ૧૩ પ્રવાસીઓ બેઠા હતા, તેમાંથી ૧૦ નાશિકના હતા અને ત્રણ થાણેના હતા. તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને અન્ય બસમાં બેસાડવામાં આવ્યા હતા.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચી ગઈ હતી અને ટાયર પર પાણીનો છંટકાવ કરીને ધુમાડો નીકળતો રોક્યો હતો. બાદમાં બસને ટો કરીને કરીને નજીકના ડેપોમાં લઈ જવામાં આવી હતી.