આમચી મુંબઈ

ઝૂંપડપટ્ટીઓ થશે ચકાચક : ઘરે-ઘરે જઈ કચરો જમા કરવાની પાલિકાની યોજના

મુંબઈ: મુંબઈ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીં રોજે લાખો ટન કચરો જમા થાય છે. મુંબઈ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટીઓને કચરા મુક્ત કરવા માટે ઘરે-ઘરે જઈને કચરો ભેગો કરી આ વિસ્તારોને સ્વચ્છ બનાવવાનો નિર્ણય લીધો છે.

મહાપાલિકાના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે નવા વર્ષથી આ યોજના શરૂ કરવામાં આવવાની છે. ઝૂંપડપટ્ટીઓના વિસ્તારોમાં દરેક ઘરે જઈ કચરો ભેગો કરવાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રેક્ટરોને આપવામાં આવશે. આ નિયુકત કરવામાં આવેલા કોન્ટ્રેક્ટરો દ્વારા ઝુંપડપટ્ટીઓમાં ઘરે ઘરે જઈ ત્યાથી કચરો જમા કરાશે અને આ વિસ્તારોના શૌચાલયો-ગલ્લીની પણ સાફસફાઇ કરશે.


તેમણે કહ્યું હતું કે આ કામ માટે દરેક વોર્ડમાં જુદા જુદા કોન્ટ્રેક્ટરોની નિમણૂક કરવામાં આવશે. આવતા ત્રણ મહિનામાં આ યોજનાને લીધે મુંબઈમાં આવેલી ઝૂંપડપટ્ટીઓનો વિસ્તાર સ્વચ્છ બની જશે. મુંબઈના ઝૂંપડપટ્ટીઓમાં કચરો જમા થવાને લીધે અહીં રહેતા લોકોના આરોગ્ય પર અસર થઈ રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા મુંબઈમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ કામની પણ તેઓ જાતે સમિક્ષા કરશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન શિંદે મુંબઈની સ્વચ્છતાને લઈને ખુબજ ગંભીર છે. મુંબઈમાં આ સ્વચ્છતા અભિયાન શરૂ થયાના બે મહિના બાદ શહેરમાં તેનો બદલાવ દેખાશે. મુંબઈમાં કચરો ઓછો થતાં વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ દૂર થશે. આ અભિયાન હેઠળ મુંબઈના અનેક વિસ્તારોમાં ક્લીન અપ માર્શલ્સ તહેનાત કરવામાં આવ્યા છે. આ માર્શલ્સ શહેરના મુખ્ય વિસ્તારોમાં કચરો ફેંકનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી 200થી લઈને 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરશે.


શહેરના નાળામાં નાગરિકોને કચરો ફેંકવાથી અટકાવવા માટે મુંબઈમાં 600 જેટલા ક્લીન અપ માર્શલને તૈનાત કરવામાં આવ્યા છે, અને 6,000 સીસીટીવી કૅમેરા પણ બેસાડવામાં આવ્યા છે જેથી આ પ્રકારને અટકાવી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button