આમચી મુંબઈ

મુંબઈના મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે ઠાકરે ગ્રૂપ પણ ઉમેદવાર ઊભા રાખશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના મેયર કોણ બનશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ નગરસેવકો સાથે મોટો પક્ષ તરીકે ઊભરી આવ્યો હોઈ મુંબઈમાં તેમના પક્ષનો મેયર બેસશે તે લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે પણ આગામી બુધવાર મૅયર પદની થઈ રહેલી ચૂંટણી માટે ઠાકરેની શિવસેના પણ ઉમેદવારીપત્રક દાખલ કરવાની હોવાનું જણાઈ આવ્યું છે. તેથી મૅયર અને ડેપ્યુટી મૅયર બિનવિરોધ ચૂંટાવવાને બદલે હવે ભાજપ-શિંદે સેના વર્સિસ ઉદ્ધવસેના વચ્ચે જંગ જોવા મળશે.

શનિવાર, સાત ફેબ્રુઆરીના મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે ઉમેદવારી પત્રક દાખલ કરવામાં આવ્યા બાદ ૧૧ ફેબ્રુઆરીના મૅયરના નામ જાહેર થશે. બુધવાર, ૧૧ ફેબ્રુઆરીના બપોરના ૧૨ વાગે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હોઈ મૅયર પદ માટે અરજી પાછી ખેંચવાની મુદત સભાગૃહ શરૂ થવાના ૧૫ મિનિટ પહેલા સુધીની હશે.

આ ચૂંટણી બિનવિરોધ નહીં થાય. ઉદ્ધવની સેના મૅયર પદ માટે ભાજપ સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની છે. જોકે ઠાકરેની શિવસેનાનો મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે ઉમેદવાર કોણ હશે તે બાબતે સસ્પેન્સ રાખ્યું હોવાનું કહેવાય છે.

આપણ વાચો: નાગપુરમાં ફડણવીસે રોડ શો કર્યો, મુંબઈના મેયર માટે કરી આ વાત…

ભાજપ અને શિંદેની શિવસેનાનું સંખ્યાબળ વધુ હોવાથી તેમનો મેયર નિશ્ર્ચિત છે, છતાં ઠાકરેની શિવસેના મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે તેમનો ઉમેદવાર ઊભો રાખવાની છે. સાત ફેબ્રુઆરીના શિવસેના ઠાકરે ગ્રૂપના કયા ઉમેદવાર ફોર્મ ભરશે તેના પર તમામ લોકોની નજર મંડાયેલી છે. આ મુદ્દે પાલિકાના શિવસેના (યુબીટી)ના ગ્રૂપ લીડર કિશોરી પેડણેકરે માતોશ્રીમાં બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું.

સંખ્યાબળ ન હોવા છતાં મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે યુબીટી ઉમેદવારી દાખલ કરવાની છે. આ અગાઉ ૨૦૧૭ની પાલિકાની ચૂંટણીમાં પણ વિરોધપક્ષમાં રહેલી કૉંગ્રેસે સંયુક્ત શિવસેનાના મેયરના ઉમેદવાર સામે પહેલી ટર્મમાં પોતાનો ઉમેદવાર ચૂંટણીમાં ઊભો રાખ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાની કુલ ૨૨૭ બેઠક છે, જેમાં ચૂંટણીમાં ૮૯ નગરસેવક સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે. બીજા નંબર ઉદ્ધવની શિવસેના ૬૫ નગરસેવક સાથે છે. શિંદેની સેના ૨૯ નગરસેવક સાથે ત્રીજા નંબરે છે. કૉંગ્રેસ ૨૪, મનસે છ, એઆઈએમએમ આઠ, અજિત પવારની રાષ્ટ્રવાદી ત્રણ, સમાજવાદી બે અને શરદ પવારની રાષ્ટ્રવાદીનો એક નગરસેવક ચૂંટાયો છે.

ભાજપ, શિંદે અને અજિત પવારના કુલ ૧૨૧ નગરસેવક થાય છે. ત્રણેય પક્ષોની મહાયુતિ પાસે બહુમતી હોવાથી તેમનો મૅયર અને ડેપ્યુટી મૅયર નક્કી છે, જેમાં મૅયર ભાજપ અને ડેપ્યુટી મૅયર પદ શિંદે સેના પાસે જવાની શક્યતાા છે, જેમાં ભાજપ તરફથી ત્રણ ચાર નગરસેવિકાના નામ પર ચર્ચા વચ્ચે શિંદે સેના તરફથી ડેપ્યુટી મૅયરના પદ માટે યામિની જાધવ સહિત અન્ય બેના નામ આગળ છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button